Western Times News

Gujarati News

નર્મદા નદી ઉપર પ બ્રીજ છતા હાઈવે પર ટ્રાફિકની સમસ્યા યથાવત

જુના – નવા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામથી બન્ને શહેરોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને પણ અસર.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ નજીક નર્મદા નદી ઉપર કુલ ૫ બ્રિજ અને ૧૪ લેન હોવા છતાં હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા યથાવત જણાય છે.વડોદરા થી સુરત તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ટોલ પ્લાઝા થી લઈને નર્મદા ચોકડી સુધી વાહનોની  ૪ કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. માંડવા ટોલ  પ્લાઝા પાસે ઉબડખાબડ રસ્તાના કારણે ટ્રાફિક જામ થતો હોવાની વાતો ઉઠવા પામી છે.નવા નર્મદા મૈયા બ્રિજ વાળા જુના નેશનલ હાઈવે ઉપર સુરત થી અંકલેશ્વર તરફ ની લેનમાં ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. નવા બ્રિજ ઉપર દક્ષિણ ગુજરાતના કાર ચાલકોનું વધુ ભારણ હોય છે.

અંકલેશ્વર – ભરૂચ વચ્ચેનો નવો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ ગયો છે.જો કે વરસાદી માહોલ ઉપરાંત જુના તેમજ નવા હાઈવે ઉપર વાહનોના વધુ ભારણ થી ભરૂચ નજીક નર્મદા નદી પાસે ફરી ટ્રાફિકજામની સમસ્યાને લઈને જામતી કતારોએ બન્ને હાઈવે અને શહેરોના આંતરીક માર્ગને ભરડામાં લીધા છે.ભરૂચ નજીક થી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.ટોલ પ્લાઝા થી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી રહી છે.નેશનલ હાઈવે ઉપર અવાર નવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી દેખાય છે.

ચોમાસા દરમ્યાન  યોગ્ય સમારકામના અભાવે આ સ્થિતિનું નિર્માણ થાય છે.મુલદ ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જવાના માર્ગ ઉપર ઘણી જગ્યાએ રસ્તો ખરાબ છે અને તેના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે.જેથી સતત ધમધમતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે.

ગત મંગળવાર અને બુધવારે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી.ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની કતારો જોવા મળી હતી.તેને લઈને વાહન ચાલકોના સમય અને ઇંધણ બંનેનો વ્યય થતો જોવા મળ્યો હતો.ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા અહિયા જરુરી  સમારકામ ઝડપ થી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.હાઈવે પર ટ્રાફિકજામના કારણે નવનિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રીજ ઉપર પણ ઘણા વાહનો ડાયવર્ટ થઈ રહ્યા છે જેના પગલે અહી પણ ક્યારેક ટ્રાફિકની સમસ્યા ઉદભવતી દેખાય છે.કેટલાક લોકો બ્રીજ ઉપર સેલ્ફી લેવા પણ જતા હોય છે અને ટ્રાફિકને અડચણરૂપ  થાય તે રીતે વાહનો પાર્ક કરાતા હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.

ભરૂચ પાસે નર્મદા નદી ઉપર જુના તેમજ નવા હાઈવે ઉપર ટ્રાફિકજામની વર્ષો જૂની વિકરાળ સમસ્યાથી વાહન ચાલકોને છુટકારો અપાવવા હાલ જૂનો-નવો સરદાર બ્રિજ,કેબલબ્રિજ તેમજ નર્મદા મૈયા અને ગોલ્ડનબ્રિજ મળી કુલ ૫ પુલ અને ૧૪ લેન કાર્યરત હોવા છતાં ટ્રાફિકની સમસ્યા હજી જૈસે થે રહેલી દેખાય છે.નેશનલ હાઇવે ઉપર ટોલટેક્સથી વડોદરા તરફ નર્મદા ચોકડી સુધી જ્યારે જુનાનેશનલ હાઈવે ઉપર નર્મદા મૈયા બ્રિજથી લઈને અંકલેશ્વર તરફ વાહનોની કતારો થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે.આ સમસ્યાની અસર બન્ને શહેરોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને પણ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.