Western Times News

Gujarati News

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણી બધી મોટી વેબસાઇટ્‌સ અને એપ્લિકેશન્સ ડાઉન થઇ

નવીદિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણી બધી મોટી વેબસાઇટ અને એપ્લિકેશન્સ ગુરુવારે ડાઉન થઇ ગઇ હતી. જેમા એમેઝોન, પેટીએમથી લઈને અમેરિકન બેંકો અને ડેલ્ટા એરલાઇન્સ સુધીની વેબસાઇટ્‌સ સામેલ છે. જણાવી દઇએ કે, ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માતા અકામાઇમાં ટેકનિકલ ખામી આવી હતી, જેના કારણે ઇન્ટરનેટ ડાઉન થયુ હતું. અકામાઇ ડોમેન નામ સિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે.

અહેવાલ છે કે એમેઝોન, ફિડેલિટી, એરબીએનબી, ડેલ્ટા એરલાઇન્સ સહિત અન્ય ઘણી વેબસાઇટ્‌સની સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ હતી. ભારતમાં પેટીએમ, ઝોમેટો, સોનીલિવ સહિતની ઘણી વેબસાઇટ્‌સ અને એપ્લિકેશનો ઠપ થઇ ગઈ હતી. લગભગ ૪૦ મિનિટ પછી આ વેબસાઇટ ફરીથી સામાન્ય થઈ ગઈ હતી. વેબસાઇટ ઠપ થવા પાછળનું કારણ અકામાઇનાં ડીએનએસમાં સમસ્યા છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, હવે તેને ઠીક કરી દેવામાં આવ્યું છે. વેબસાઇટ્‌સ અને એપ્લિકેશન્સ હવે સામાન્યની જેમ કાર્ય કરી રહી છે.

આ સંદર્ભે, ભારતીય કંપનીઓ દ્વારા ટ્‌વીટ કરીને વેબસાઇટ અટકી હોવા અંગે માહિતી આપવામાં આવી હતી. ઝોમેટો ચીફ દિપેન્દ્ર ગોયલે કહ્યું કે, અમારી એપ ડાઉન છે. આનું કારણ અકામાઇમાં ખરાબી છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ સમયસર ડિલિવરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધનીય છે કે આ વર્ષે આ બીજી વખત છે જ્યારે વિશ્વની ઘણી વેબસાઇટ્‌સ એક સાથે ડાઉન થઈ હતી. જૂનમાં પણ ઇન્ટરનેટ ડાઉન થવાને કારણે સોશિયલ મીડિયા, સરકારી અને ન્યૂઝ વેબસાઇટ્‌સ ઠપ થઇ ગઇ હતી. આ રીતે, લગભગ ત્રણ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ સેવાઓ ડાઉન થવાને કારણે ઘણી વેબસાઇટ્‌સ ઠપ ગઈ છે.

આ અંગે પેટીએમ ચીફ વિજયશેખર શર્માએ પણ ટ્‌વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, એવું લાગે છે કે અકામાઇની સેવાઓમાં ખરાબી આવી
ગઇ છે. અકમાઇ ટેક્નોલોજીએ કહ્યું કે, અમને સેવાઓમાં ખામી વિશે માહિતી મળી છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અકામાઇનાં તાજેતરનાં નિવેદન મુજબ, કંપનીએ આ મુદ્દા માટે ફિક્સ જારી કર્યુ છે. કંપનીએ કહ્યું છે કે, હવે લાગે છે કે વેબસાઇટ્‌સ સામાન્ય રીતે કામ કરી રહી છે. અકામાઇએ કહ્યું છે કે, ભવિષ્યમાં પણ આ અસરને ધ્યાનમાં રાખીને, તેનું મોનિટરિંગ સતત કરવામાં આવશે. ડેલ્ટા એરલાઇન્સ, એમેઝોન અમેરિકા, કોલ ઓફ ડ્યુટી, એચબીઓ મેક્સથી લઈને ઘણી બેંક વેબસાઇટ્‌સ પણ ડાઉન રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.