Western Times News

Gujarati News

સ્ટાર્ટ અપને જરૂરી ટેકનોલોજી, જ્ઞાન પૂરા પાડવામાં મદદ કરાશે

અમદાવાદના દિનેશ હોલ ખાતે શ્રી રવિશંકર પ્રસાદે બુદ્ધિજીવીઓ સાથે સંવાદ યોજના કર્યો

અમદાવાદ,  કેન્દ્રીય કાયદો અને ન્યાય, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે બુધવારે આઈઆઈટી ગાંધીનગર કેમ્પસ ખાતે સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, ગુજરાત સરકારના સહયોગથી નાસકોમ દ્વારા શરૂ કરાયેલા સેન્ટર ફોર એકસેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટર ફોર એકસેલન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના ક્ષેત્રમાં સ્ટાર્ટ અપને મદદ કરશે. સ્ટાર્ટ અપને જરૂરી ટેકનોલોજી, જ્ઞાન અને ભંડોળ પૂરી પાડી તેમની પ્રોડક્ટને વેચવા માટે ખરીદદાર શોધવામાં પણ મદદ કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે આજના સ્ટાર્ટ અપ સ્વાસ્થ્ય, કૃષિ, સુરક્ષા વગેરે ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ સેન્ટર ઓફ એકસલન્સ યુવાનોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નાસકોમ આ સેન્ટરને જરૂરી મદદ પૂરી પાડશે. આ પ્રસંગે તેમણે જુદા જુદા સ્ટાર્ટ અપ્સ સાથે ચર્ચા કરી તેમને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું હતું.

અમદાવાદના દિનેશ હોલ ખાતે બુદ્ધિજીવીઓ સાથે આયોજિત એક સંવાદ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની સો દિવસની કામગીરી વિશે જણાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા કલમ 370 અને 35A હટાવવાનો નિર્ણય ભારતીય ઇતિહાસમાં મહત્વનો સાબિત થઈ રહેશે. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલે દેશના 562 રજવાડાઓને એક કર્યા હતા. સરદાર પટેલે કલમ 370 વિશે કહ્યું હતું  કે આ દેશમાં હિંમત હશે તો આ કલમને દુર કરશે. શ્રી પ્રસાદે જણાવ્યું કે આજે સિત્તેર વર્ષ પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રચાયેલી સરકારે ગૃહ મંત્રી શ્રી અમિત શાહની આગેવાનીમાં હિંમત અને દૃઢ મનોબળથી કલમ 370 અને 35A નાબૂદ કરી બતાવી છે.

શ્રી પ્રસાદે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી જમ્મુ-કાશ્મીરની જનતાને જે લાભ નહોતા મળતા તે હવેથી મળવા લાગશે. આ નિર્ણય બાદ ભારત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં લાગુ 106 કાયદાઓનો અમલ પણ જમ્મુ-કાશ્મીરમાં શરૂ કરી દેવાયો છે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદના સંસદ સભ્યો ડો. કિરીટ સોલંકી અને શ્રી હસમુખ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.