ઈન્ડોનેશિયામાં ડેલ્ટાથી સપ્તાહમાં ૧૦૦નાં મોત

જાકાર્તા: કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે ‘કાળ’ બનીને આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી ઘણા બાળકોના મોત થયા છે. તેમાંથી ઘણા બાળકો એવા છે, જેમની ઉંમર ૫ વર્ષ કરતાં પણ ઓછી છે. ઈન્ડોનેશિયામાં બાળકોના મોતનું પ્રમાણ દુનિયાના અન્ય ભાગની સરખામણીમાં ઘણું વધારે છે. અત્યારસુધીમાં એવું કહેવાઈ રહ્યું હતું કે, બાળકોને કોરોના વાયરલ મહામારીથી સૌથી ઓછો ખતરો રહેલો છે.
ઈન્ડોનેશિયાની આ ભયંકર સ્થિતિએ દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. આ મહિને માત્ર એક અઠવાડિયામાં જ ૧૦૦થી વધુ બાળકોના મોત થયા છે. ઈન્ડોનેશિયા આ સમયે સૌથી વધારે કોરોના વાયરસના કેસ સામે ઝઝૂમી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાળકોનો મોત તેવા સમય પર થઈ રહ્યા છે જ્યારે સમગ્ર દક્ષિણ-પૂર્વીય એશિયામાં ડેલ્ટા વેરિયન્ટ તબાહી મચાવી રહ્યો છે.
શુક્રવારે જ ઈન્ડોનેશિયામાં કોરોનાના નવા ૫૦ હજાર કેસ સામે આવ્યા હતા અને ૧,૫૬૬ લોકોના મોત થયા હતા.
પિડીયાટ્રિશિયનના જણાવ્યા પ્રમાણે, ઈન્ડોનેશિયામાં કોરોનાના કુલ કેસમાંથી ૧૨.૫% બાળકો છે. ૧૨ જુલાઈ સુધીમાં ૧૫૦ બાળકોના મોત થયા હતા. જેમાંથી અડધાની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી હતી. ઈન્ડોનેશિયામાં અત્યારસુધીમાં કોરોનાના ૩૦ લાખ કેસ સામે આવ્યા છે અનેો ૮૩ હજાર લોકોના મોત થયા છે. ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી શરુ થયા બાદ હાલ સુધીમાં ૮૦૦ બાળકોના મોત થયા છે, જેમાં સૌથી વધારે મોત ગયા મહિને થઈ હતી. આ દરમિયાન દુનિયાભરમાં કોવિડ-૧૯ના કેસ વધીને ૧૯.૪ કરોડ થઈ ગયા છે. આ મહામારીથી અત્યારસુધીમાં કુલ ૪૧.૫ લાખ લોકોના જીવ ગયા છે