Western Times News

Gujarati News

ગુજરાતને બંગાળ નથી બનવા દેવાનું: સ્વામી સચ્ચિદાનંદ

વિધાનસભા ભવન ઉપર ટીપ્પણી
આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું કે અત્યાર સુધીનું વિધાનસભા ભવન માચિસ બોક્સ જેવું લાગતું હતું. આવા સરકારી ભવનો ખૂબ સુંદર હોવા જાેઇએ. કોઈપણ વ્યક્તિ જુએ તો તરત ફોટો પાડવાનું મન થાય તેવું વિધાનસભા ભવન હોવું જાેઈએ.

એટલે મેં રાજ્યના નાબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સહિત અનેક મંત્રીઓનો સંપર્ક કરી સુંદર ભવન બનાવવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે જ અત્યારે વિધાનસભા ભવનની ઉપરનો ડોમ જાેવા મળે છે, જે મારી રજૂઆત બાદ બનાવવામાં આવ્યો હતો.

પેટલાદ, પેટલાદ ખાતે નવનિર્મિત નગરપાલિકા ભવનના લોકાર્પણ પ્રસંગે ક્રાંતિકારી સંત સ્વામિ સચ્ચિદાનંદ મહારાજે આર્શિવચન આપતા જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં જે રીતે વિકાસે હરણફાળ ભરી છે તે જાેતાં અહિયાં રાજ્યનો સુવર્ણ અને નિર્માણ યુગ ચાલી રહ્યો છે.

આપણે એકબીજાના ટાંટીયા ખેંચ્યા સિવાય બધાએ સાથે મળી પેટલાદ સહિત રાજ્યના વિકાસમાં જાેડાઈ જવાનું છે. પરંતુ આપણે ગુજરાતને કોઈપણ સંજાેગોમાં બંગાળ નહિ બનવા દેવાનું સ્વામીજીએ જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદના હસ્તે નગરપાલિકા ભવનનું રિબીન કાપી ઉદ્ધાટન કરવા સાથે ખૂલ્લુ મૂક્યું હતું.

૭ પૂર્વ પ્રમુખોની સૂચક હાજરી
પેટલાદ નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણી સમયે ભાજપ દ્વારા ઉમેદવારી સંદર્ભે કેટલાક આકરા નિયમો લાવવામાં આવ્યા હતા. જેથી કેટલાક સિનીયર સભ્યો અને પૂર્વ પ્રમુખોના પત્તાં કપાઈ ગયા હતા. જેઓ ગત ચૂંટણી દરમિયાન ભાજપ સાથે કે વિમૂખ જાેવા મળ્યા હતા.

પરંતુ આ પ્રસંગે પૂર્વ પ્રમુખો પૈકી વિઠ્ઠલભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, વિનુભાઈ પરમાર, ઈશ્વરભાઈ ઠાકોર, જૈમિનીબેન પટેલ, દિપાલીબેન શાહ, રેણુકાબેન વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જેઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ ખાતે નગરપાલિકા ભવનના નિર્માણ માટે રાજ્ય સરકારે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. જેમાંથી આ ભવનનું નવનિર્માણ થયું હતું. આ ભવનનો લોકાર્પણ સમારોહ આજરોજ પેટલાદ પાલિકા પાસે સવારે ૧૧ કલાકે યોજાયો હતો.

આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ મહારાજે આર્શિવચન આપતાં જણાવ્યું હતું કે પેટલાદ એક સમયનું માંચેસ્ટર ગણાતું હતું. આ ઐતિહાસિક નગરની જાહોજલાલી હતી. આ નગરમાં નવનિર્મિત ભવન સંદર્ભે સ્વામીજીએ સત્યમ, શિવમ, સુંદરમનો અર્થ સમજાવ્યો હતો.

કોઈપણ બાંધકામનો પાયો મજબૂત હોવા સાથે તે મકાન લોકોના ઉપયોગમાં હોવું પણ જરૂરી છે. ઉપરાંત થયેલ બાંધકામ સુંદર પણ હોવું જાેઈએ. વર્તમાન સરકારની કામગીરી સંદર્ભે સ્વામીજીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન રાજ્યમાં અસંખ્ય રસ્તા, ડેમ, ચેકડેમ, મકાનો વગેરે બન્યા છે.

જેના ભાગરૂપે જ સૌરાષ્ટ્રના લોકો સુધી નર્મદાના પાણી પહોંચી શક્યા છે. અગાઉની કોઈ સરકારે આટલા કામો નથી કર્યા. અગાઉ તો કોઈને પ્રજાની પડી જ ન્હોતી. હાલ રાજ્ય અને દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ જાેવા મળે છે. છતાં કોઈને દુષ્કાળની અસર જાેવા નથી મળતી, કારણકે નર્મદાના નીર અડધા રાજ્ય સુધી પહોંચી છે.

તેઓએ પેટલાદ વિષે કહ્યું હતું કે ગુજરાતમાં રહેવા લાયક સૌથી સુંદર નગર પેટલાદ છે. કારણકે અહિયાં કોઈ ઉદ્યોગો નહિ હોવાને કારણે પોલ્યુશન નથી. અહિયાં ક્યારેય પૂરની સ્થિતી જાેવા નથી મળતી. છેલ્લા કેટલાય વર્ષોથી અહિયાં કોમી તોફાનો પણ નથી થતા. હિન્દુ અને મુસ્લિમોના બધા જ તહેવારો ખૂબ સારી રીતે શાંત વાતાવરણમાં ઉજવાય છે. આવી જ શાંતિ કાયમ રાખવા સૌ સાથે મળી કામ કરે તે જરૂરી છે.

આ પ્રસંગે પાલિકાના અધિકારીઓ, વિભાગીય વડાઓ, ચૂંટાયેલા તમામ સભ્યોને ખાસ વિનંતી કરતા જણાવ્યું હતું કે નવનિર્મિત ભવનમાં બેસી નગરનો વહિવટ એવો કરજાે કે કોઈ આંગળી ના કરે. આ પ્રસંગે આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલે પણ પાલિકાના તમામ ૩૬ સભ્યોને એક સંપ થઈ વિકાસના કામો કરવા જણાવ્યું હતું.

ઉપરાંત પાલિકાના કોઈ પ્રશ્ન કાયમી ના રહે તેવા પ્રયત્નો સૌએ કરવાના છે. આ પ્રસંગે રણછોડજી મંદિરના મહંત વાસુદેવ મહારાજ, ગણેશ મંદિરના મહારાજ સમ્રાટ, જીલ્લા પ્રભારી જયદ્રથસિંહ પરમાર, પૂર્વ મંત્રી સી ડી પટેલ, જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી મનિષા બ્રહ્મભટ્ટ, મામલતદાર મહેશ્વરી રાઠોડ, ચિફ ઓફિસર પાર્થવન ગોસ્વામી, પાલિકાના કાઉન્સીલરો, પૂર્વ પ્રમુખો, કર્મચારીઓ, શહેરના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.