Western Times News

Gujarati News

અમે વિકાસની વાત કરી તમે વિનાશની વાત કરો છોઃ વિજય રૂપાણી

ગાંધીનગર, વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂરા થયા. ત્યારે હાલ ભાજપ સંગઠન આ પાંચ વર્ષની ઉજવણી કરવામાં મશગૂલ છે સીએમ રૂપાણી અને નીતિન પટેલની સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના પ્રસંગે આજે જ્ઞાન શક્તિ દિવસ ઉજવાઈ રહ્યો છે.

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, અમે જ્ઞાનની વાત કરી તમે અજ્ઞાનની વાત કરી. અમે વિકાસની વાત કરી તમે વિનાશની વાત કરો છો. તમને ૫૦ વર્ષ જનતાએ મોકો આપ્યો ત્યારે કેમ આ કામ ન કર્યા. આ વિરોધ કરીને તમે સાબિત કર્યું કે તમે વિપક્ષને પણ લાયક નથી.

તેમણે વધુમાં કહ્યું કે, ૧૮ હજાર સ્થળોએ આ કાર્યક્રમો થઈ રહ્યા છે. ૧૫ હજાર કરોડથી વધુને વિકાસ કાર્યોની વાત છે. બજેટમાં સૌથી વધુ ૩૧ હજાર કરોડ શિક્ષણ વિભાગને ફાળવ્યા છે. ૫ વર્ષમાં સરકારી શાળાઓમાં નવા ઓરડા, બિલ્ડીંગ બનાવ્યા છે. આજે પણ ૧ હજાર નવા ઓરડાનું લોકાર્પણ કર્યું છે. ૧૨ હજાર સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું.

પ્રાથમિક શાળાઓ સુધી ઈન્ટરનેટ પહોંચાડ્યું છે. તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સંબોધનમાં કહ્યું કે, ૫ વર્ષના કરેલા કામોનો હિસાબ આપવા ૯ દિવસ લાગી રહ્યા છે એ જ બતાવે છે કે કેટલા બધા કામ થયા છે. વિજય રૂપાણીની સરકારે કરેલા કામો માટે અભિનંદન.

ખૂબ આયોજનપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચું છે તેવા આરોપ લાગતા હતા તે હવે બદલાયું છે. દિલ્હી અને બીજા રાજ્યો કરતા ઘણું સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણનું સ્તર ગુજરાતનું છે.

મહાનગરપાલિકાની શાળાઓમાં ભણતા બાળકો જે ઉચ્ચ શિક્ષણ મેળવીને નામના કરી રહ્યા છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં આ સ્તર ખૂબ જ ઊંચું રહ્યું છે. લોકોને હવે સરકારી શાળાઓમાં વિશ્વાસ વધ્યો છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ક્યારેય સારા કામની પ્રસંશા નથી કરી શક્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.