Western Times News

Gujarati News

ગુજરાતના પનોતા પુત્ર સરદારે ભારતને એક કર્યું, જ્યારે નરેન્દ્રભાઈએ ભારતને શ્રેષ્ઠ બનાવ્યું

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી -“સરદારે ભારતને એક કર્યું, નરેન્દ્રભાઈએ ભારતને શ્રેષ્ઠ બનાવ્યું”: મંત્રી શ્રી વિભાવરીબહેન દવે

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુબડથલ ખાતે સ્વાતંત્ર્ય-પર્વમાં મંત્રી શ્રી વિભાવરીબહેન દવેની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતના પનોતા પુત્ર સરદારે ભારતને એક કર્યું, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભારતને શ્રેષ્ઠ બનાવ્યું છે,તેમ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના કુબડથલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અવસરે સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઇ એ ગુજરાતને ઉત્તમ બનાવ્યું છે અને હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સર્વોત્તમ બનાવવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

વિભાવરીબેન દવે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે આઝાદ ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ એની પાછળ લાખો નામી-અનામી મહાન સ્વાતંત્ર્ય વીરોના બલિદાન અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે ,ગાંધીજી, સરદાર , શ્યામજી કૃષ્ણ વર્મા અને સાવરકર જેવા મહાપુરુષોએ દેશને ગુલામીની જંજીરોમાંમાંથી મુકત કરાવવા માટે જબરદસ્ત સંઘર્ષ કર્યો હતો.જેના પરિણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડયું છે.

શ્રી વિભાવરીબહેને આ અવસરે નવ દિવસના ગુજરાત સરકારના જનસેવા યજ્ઞનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવ દિવસ વિકાસની આરાધના કરી ૧૬ હજારથી વધુ વિકાસ કાર્યો પ્રજાને સમર્પિત કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સેવાયજ્ઞમાં ગુજરાતના ૪૮ લાખ ૫૬ હજાર નાગરિકોને વિવિધ યોજના અન્વયે રુપિયા ૧૩ હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે.

શ્રી વિભાવરીબહેને રાજ્ય સરકારની નૂતન યોજના “વતન પ્રેમ”નો પણ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં વસતા આપણા ગુજરાતી બાંધવો વતનના વિકાસ માટે યોગદાન આપવાની ઝંખના સેવતા હોય છે, ત્યારે આવા વતનપ્રેમીઓ માટે રાજ્ય સરકારે “વતન પ્રેમ યોજના” અમલમાં મૂકી છે. જેમાં ગામના રસ્તા, શાળા, દવાખાના મકાન જેવા વિકાસકાર્યો માટે ૬૦ ટકા દાતા તરફથી અને ૪૦ ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવશે.

મંત્રીશ્રીએ આ તબક્કે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત “પ્રોજેક્ટ લાઇફ લાઇન”નો ઉલ્લેખ કરી ગ્રામ્ય વિસ્તારમાં માતા મરણ અટકાવાના જિલ્લા વહીવટી તંત્રના સઘન પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે રાજ્યભરમાં અમદાવાદ જિલ્લા દ્વારા હાથ ધરાયેલી નવતર પહેલને આવકારી હતી.

શ્રી વિભાવરીબહેને ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી અને ટકાઉ વિકાસ પ્રત્યે પણ કટિબદ્ધતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં દેશનું સૌ પ્રથમ સીએનજી ટર્મિનલ નિર્માણ પામી રહ્યું છે અને આ સીએનજી ટર્મિનલ દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.

ગુજરાતની પ્રજાને અમારી સરકારને અઢી દાયકા કરતાં વધુ સમયથી શાસનની ધુરા સોંપી છે ત્યારે આ સરકાર પ્રજાના વિશ્વાસ પર ખરી ઉતરી છે. અને રાજ્યના ૯૦% ભૌગોલિક વિસ્તારની જનતાએ અમને ફરી જન સેવાની તક આપી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમના શુભારંભે મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે અમદાવાદ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તેમના દેશભક્તિસભર નૃત્યોએ ઉપસ્થિતિ દર્શકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, દસક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધમેલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી વીરેન્દ્ર યાદવ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમ જ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.