Western Times News

Gujarati News

વરસાદ ખેંચાતા સરદાર સરોવર નર્મદા ડેમ અડધો ખાલી

સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના ૨૦૬ ડેમમાં તેના પાણીની સંગ્રહશક્તિ સામે ૪૭% જેટલું પાણી ભરાયેલું છે

ગાંધીનગર, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં મેઘરાજાએ વિશ્રામ લીધો છે. સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં કુલ સરેરાશ ૩૩ ઈંચ વરસાદ પડતો હોય છે. તેમાંથી આ વખતે ચોમાસાના વીતેલા અઢી મહિનામાં માત્ર ૧૨ ઈંચ વરસાદ પડ્યો છે

એટલે કે રાજ્યના કુલ સરેરાશ વરસાદની સામે માંડ ૩૭ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યભરમાં સાવર્ત્રિક વરસાદ ક્યારે થશે તેવી આગાહી હજી સુધી કરવામાં આવી નથી. વિલંબિત અને અપૂરતા વરસાદના કારણે ગુજરાતના ડેમના પાણી પણ સૂકાવા લાગ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના કુલ ૨૦૬ ડેમમાં તેના પાણીની સંગ્રહશક્તિ સામે માંડ ૪૭ ટકા જેટલું પાણી ભરાયેલું છે અને તેમાં પણ પીવાના ઉપયોગમાં લઈ શકાય તેવુ જીવંત કક્ષાનું પાણી તો માત્ર ૩૭ ટકા જેટલું જ છે. ગુજરાત માટે હાલની આ સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વરસાદ અને ડેમોમાં ભરાયેલું પાણી ખૂબ જ ઓછું છે.

અત્યારે ઓગસ્ટ મહિનો અડધો પસાર થઈ ચૂક્યો છે. હવે સપ્ટેમ્બર-ઓક્ટોબર એમ બે મહીના વરસાદના બાતી છે ત્યારે આ સમયગાળામાં બાકીના ૬૩ ટકા વરસાદ પડે તો ગુજરાત માટે સારા દિવસોની અપેક્ષા રાખી શકાય. ૧૬ ઓગસ્ટ, ૨૦૧૭ સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદની સામે ૮૪ ટકા જેટલો વરસાદ પડ્યો હતો,

૨૦૧૮માં આ જ તારીખ સુધીમાં ૫૬ ટકા, ૨૦૧૯માં ૮૬ ટકા વરસાદ ખાબક્યો હતો. જ્યારે ૧૬ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ૭૭ ટકા પડ્યો હતો. બીજી તરફ આ વર્ષે ૧૬ ઓગસ્ટ સુધીમાં માત્ર ૩૭ ટકા વરસાદ જ પડ્યો છે. જેનાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાનું સાબિત થાય છે. રાજ્યમાં માત્ર આઠ જ ડેમ ૫૦ ટકાથી ૧૦૦ ટકા ભરાયેલા છે,

જ્યારે સાત ડેમોમાં ૩૦થી ૪૯ ટકા પાણી છે. ૫૭ ડેમો આવે છે જેમાં ૧૦થી ૨૯ ટકા પાણી છે. ૩૬ ડેમો ૧૦ ટકા જેટલા ભરેલા છે. ૧૪ ડેમ એવા છે જેમાં એક ટીપું પણ પાણી નથી. અર્થાત્‌ રાજ્યના મોટાભાગના ડેમમાં પાણી ભરાયેલા નથી અથવા ખાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.