Western Times News

Gujarati News

બેફામ બનેલી ઈકો ગાડીએ બે યુવકોનો જીવ લીધો

બનાસકાંઠામાં ગઢ-મડાણા રોડ ઉપર ગાડી બેફામ બની-અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોનાં સારવાર દરમિયાન મોત, કારે સાત રાહદારીઓને અડફેટે લીધા

બનાસકાંઠા, બનાસકાંઠામાં ગઢ- મડાણા રોડ પર મોડી રાત્રે બેફામ બનેલા એક ઇકો કારના ચાલકે સાત જેટલા રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ મડાણા રોડ પર મોડી રાત્રે ઇકો કારના ચાલકે બેફામ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર રાહદારીઓને અલગ-અલગ ત્રણ જગ્યાએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારનો ચાલક ગાડી મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બનાવને પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ગઢ અને પાલનપુરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરસિંહ સોલંકી સહિત બે યુવકોના સારવાર દરમિયાન કરુંણ મોત થયા હતા.

બનાવ અંગે ગઢ પોલીસે ઇકો કારના ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ એક અન્ય અકસ્માત બન્યો હતો. જેની વાત કરીએ તો રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે મંગળવારની રાત્રિના સાડા નવ વાગ્યા આસપાસ એક ઇકો કાર ઊભી હતી.

જે ઇકો કારમાં સવાર બે જેટલા પુરુષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા. આ સમય દરમિયાન મહિલાઓ અંદર કારમાં બેઠી હતી. તે જ વખતે એક ટ્રક કંટેનર પુરપાટ ઝડપે પાછળથી ઘસી આવ્યું હતું. જેને ઇકો કારને ૨૫ ફૂટ દૂર સુધી ધકેલી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

તેમજ લોકોએ ટ્રક કંટેનર ચાલકને પોતાના સકંજામાં પણ લીધો હતો. અકસ્માતમાં કચ્છના માંડવીના અમૃતબેન નાથાણી નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કે સરલાબેન ગોર હિતેન ભાઈ ચાવડા ધર્મેશ ભાઈ ચારિયા સંદીપભાઈ મેંદપરા સહિતના લોકોને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ માંડવીથી કાર ભાડે કરીને સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા ગયા હતા. મંગળવારે રાત્રે વીરપુર દર્શન કરી તેઓ માંડવી પર જઈ રહ્યા હતા. આ સમયે તેમને ગૌરીદડ પાસે અકસ્માત નડયો હતો. ત્યારે સમગ્ર મામલે કુવાડવા પોલીસ દ્વારા કન્ટેનર ચાલક રવિન્દ્ર કુમાર પાલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.