Western Times News

Gujarati News

હાથોમાં અફઘાની ઝંડા, મજબૂત મનોબળ સાથે તાલિબાન સામે વિરોધ પ્રદર્શન

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજની શરૂઆત થઈ ગઈ છે. આખા દેશ પર તાલિબાની લડાકુઓએ કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે, પરંતુ હવે અફઘાનીસ્તાનની સામાન્ય જનતાએ તાલિબાન સામે વિરોધપ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી છે.

દેશના અલગ અલગ વિસ્તારોમાં તાલિબાન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. 19 ઓગસ્ટે અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં અફઘાની જનતા રાષ્ટ્રીય ઝંડા લઈને રોડ પર વિરોધપ્રદર્શન કરવા નીકળ્યા હતા.

ગુરુવારે કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા અને તાલિબાની સત્તાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તાલિબાની લડાકુઓ દ્વારા ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવું જ અફઘાનિસ્તાનના ખોસ્ત રાજ્યમાં પણ થયું હતું. ત્યાં સામાન્ય જનતાના પ્રદર્શન પછી તાલિબાનોએ 24 કલાક માટે કર્ફ્યૂ લગાવી દીધો હતો.

અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યાં છે. ખાસ વાત એ છે કે તાલિબાન વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં સૌથી આગળ અફઘાની મહિલાઓ છે, જેઓ તાલિબાન પાસે તેમની આઝાદીની માગણી કરી રહી છે.

અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસે રેલીમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા તાલિબાન લડાકુએ ભીડ પર ગોળીબાર કર્યા પછી ઘણા લોકોનાં મોત થયાં હતાં. ધી ગાર્ડિયન રિપોર્ટ પ્રમાણે, તાલિબાનોએ ગોળીબાર શરૂ કરતાં જ લોકો ડરી ગયા હતા અને દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. આ જ પ્રમાણેના એક વિરોધપ્રદર્શન વિરુદ્ધ એક દિવસ પહેલાં જ તાલિબાનો તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ નાગરિકોનાં મોત થયાં છે.

તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો છે. ત્યાર પછી અસદાબાદ શહેરમાં એક મોટું વિરોધપ્રદર્શન જોવા મળ્યું હતું. એમાં તાલિબાનનો ઝંડો ફાડી દેવામાં આવ્યો હતો. એકવાર ફરી દેશની સત્તા પર કબજો કરનારા તાલિબાનો સામેનું પ્રથમ વિરોધપ્રદર્શન માનવામાં આવે છે.

મહિલાઓ સહિત હજારો પ્રદર્શનકારીઓ કાબુલમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ‘અમારો ઝંડો, અમારી ઓળખ’ના નારા લગાવતા ભેગા થયા હતા. તાલિબાન લડાકુઓએ ભીડને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને ઘેરીને બૂમો પાડીને હવામાં રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.