Western Times News

Gujarati News

અમરેલીમાં સાતમ-આઠમ પર યોજાતા ૧૫ જેટલા લોકમેળાઓને કોરોનાનું ગ્રહણ

અમરેલી, રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ વધારો થયો હતો. ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રાજ્ય સરકારે લોકોને વધુમાં વધુ છૂટછાટ આપી છે. બીજી તરફ શ્રાવણ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થાય છે અને ત્યારે તહેવારોની સિઝનમાં અમરેલી જિલ્લામાં લોક મેળાઓ યોજાય છે પરંતુ, આ વર્ષે પણ કોરોનાએ લોકમેળાઓને ગ્રહણ લગાવ્યું છે. શ્રાવણ મહિનાના એક પખવાડિયા સુધી જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર યોજાતા ૧૫ જેટલા લોકમેળાને મંજૂરી આપવામાં આવી નથી.

રિપોર્ટ અનુસાર અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને બાબરા જેવા શહેરોમાં પરંપરાગત લોકમેળાઓ યોજાતા હતા. આ લોકમેળામાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઊમટતા હતા. સૌથી વધારે લોકો સાતમ-આઠમના તહેવારમાં લોકમેળામાં જતા હોય છે. અમરેલીમાં અલગ-અલગ સ્થળો પર સાતમ-આઠમ, નાગ પંચમી અને ભાદરવી અમાસ નિમિત્તે લોકમેળાનું આયોજન થાય છે. છેલ્લાં બે વર્ષથી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવા દેવામાં આવતું નથી. ગત વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ ૧૫ લોકમેળાને મંજૂરી આપવામાં આવી ન હતી અને આ વર્ષે પણ મંજૂરી આપવામાં આવી નથી.

મહત્ત્વની વાત કહી શકાય કે, અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલ અને નુતન સ્કૂલ આમ બે સ્થળોએ આઠમનો લોકમેળો યોજાય છે. સાવરકુંડલામાં આંખની હોસ્પિટલ ખાતે આઠમનો મેળો યોજાય છે. રાજુલામાં પૂજાબાપુની ગૌશાળાના લાભાર્થે રુદ્રા ગ્રુપ દ્વારા આઠમનો મેળો યોજવામાં આવે છે. બાબરામાં નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો લોકમેળો યોજાય છે.

બગસરામા વાંજા જ્ઞાતિના પાર્ટી પ્લોટમાં આઠમનો મેળો યોજાય છે. બાબરામા પંચકુંડની જગ્યામાં ભાદરવી અમાસનો મેળો યોજાય છે. રાજુલાના લુણસાપુરમાં નાગપાંચમનો મેળો યોજાય છે. રાજુલામાં રૂદ્રગણ ગ્રુપ દ્વારા આઠમનો મેળો યોજાય છે. બારમણમાં શામળીયા મહાદેવનો મેળો યોજાય છે. સરકેશ્વરમાં ભાદરવી અમાસનો મેળો યોજાય છે. દામનગરમા કુંભનાથ મહાદેવ ખાતે આઠમનો મેળો યોજાય છે. લીલીયામાં નિલકંઠ મહાદેવ અને અંટાળેશ્વર મહાદેવ ખાતે આઠમનો મેળો યોજાય છે. વડીયામાં શિતળા મંદિરમાં આઠમનો મેળો યોજાય છે, ખાંભામાં શિતળા મંદિરમાં સાતમનો મેળો યોજાય છે. રાયડી ડેમ નજીક શામળીયા મહાદેવમાં આઠમનો મેળો યોજાય છે પરંતુ, આ વર્ષે એક પણ લોકમેળાને તંત્રએ મંજૂરી આપી નથી.

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને ૧૫માંથી એક પણ લોકમેળાને મંજૂરી આપવામાં આવી નથી. તંત્રનું માનવું છે કે, લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાના કારણે કોરોનાની ગાઈડલાઈનના નિયમોનું પાલન થઈ શકે તેમ નથી અને આ જ કારણે લોકમેળાઓને મંજૂરી આપવામાં આવી નથી.આ બાબતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકમેળામાં લોકોની ભારે ભીડ એકઠી થાય છે. જેના કારણે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું મુશ્કેલ બને છે. જેથી આ વર્ષે અમરેલી જિલ્લામાં એક પણ લોકમેળાને મંજૂરી આપવામાં આવી નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.