Western Times News

Gujarati News

અમદાવાદમાં ડેન્ગ્યુ- ચીકનગુનીયાનો કહેર યથાવત

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં ડેન્ગ્યુ- ચીકનગુનીયા જેવા જીવલેણ રોગના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે. મ્યુનિ. આરોગ્ય ખાતા તરફથી દવા છંટકાવ, ફોગીંગ અને લોહી પરીક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તે અપુરતી સાબિત થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં ડેન્ગયુના કુલ કેસ પૈકી ૬૦ ટકા કેસ છેલ્લા દોઢ મહીનામાં જ કન્ફર્મ થયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહયો છે જેના કારણે મ્યુનિ. શાસકો દ્વારા ફોગીંગ કામગીરીમાં વધારો કરવા માટે સુચના આપવામાં આવી છે.

સ્માર્ટસીટીના નાગરીકો ફરી એક વખત જીવલેણ રોગચાળાના સકંજામાં આવી રહયા છે ચોમાસામાં થયેલા વરસાદ બાદ વરસાદી પાણીનો ભરાવો તેમજ સફાઈ અભાવના પરીણામે મચ્છરોનો કહેર વધી ગયો છે તેમજ મેલેરીયા, ડેન્ગયુ અને ચીકનગુનીયાના કેસમાં પણ વધારો થયો છે. મ્યુનિ. આરોગ્ય ખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ જુલાઈ મહીનામાં મેલેરીયાના ૬ર, ઝેરી મેલેરીયાનો ૦૧, ડેન્ગયુના ૪૭ તેમજ ચીકનગુનીઆના ર૬ કેસ કન્ફર્મ થયા હતા જેની સામે ઓગસ્ટ મહીનાના ર૧ દિવસ દરમ્યાન સાદા મેલેરીયાના ૧ર૩, ડેન્ગયુના ૧૩૦ તથા ચીકનગુનીઆના ૬૭ કેસ નોંધાયા છે.

આમ, જુલાઈની સરખામણીએ ઓગસ્ટ મહીનામાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે. જયારે ૧ જાન્યુઆરી ર૦ર૧થી ર૧ ઓગસ્ટ ર૦ર૧ સુધી મેલેરીયાના ૩૪૧, ઝેરી મેલેરીયાના ર૧, ડેન્ગયુના ૩૦ર તેમજ ચીકનગુનીઆના ર૪૯ કેસ નોંધાયા છે જે ર૦ર૦ કરતા લગભગ ત્રણ ગણો વધારો છે, ર૦ર૦ના વર્ષમાં ર૧ ઓગસ્ટ સુધી મેલેરીયાના ૩૧૦, ઝેરી મેલેરીયાના ૧૭, ડેન્ગયુના ર૦પ તેમજ ચીકનગુનીઆના ૭૧ કેસ નોધાયા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસ વધી રહયા છે. જુલાઈ મહીના દરમ્યાન પશ્ચિમ ઝોનમાં મેલેરીયાના રપ, ઝેરી મેલેરીયાના ૦૧, ડેન્ગ્યુના ૦૯ તેમજ ચીકનગુનીઆના ૦૪ કેસ નોંધાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.