Western Times News

Gujarati News

જન્માષ્ટમીના દિવસે સગર્ભા મહિલાઓ માટે ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ

સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ બાળકો માટે સગર્ભાવસ્થા દરમિયાન માતાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર અતિઆવશ્યક છે. -શ્રી અમિતભાઇ શાહ

દેશ-દુનિયામાં વસતા કરોડો નાગરિકોને કૃષ્ણજન્મોત્સવના શુભ અને પાવન અવસર જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

ગુજરાતવાસીઓ માટે ગર્વની બાબત છે કે, ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી જીવનનો મોટો ભાગ અહીં વિતાવ્યો. -શ્રી અમિતભાઇ શાહ

આજરોજ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકલાડીલા સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ સાણંદ તાલુકાના નિધરાડ ગામ ખાતેથી કરાવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક અગ્રણીશ્રીઓ દ્વારા શ્રી અમિતભાઇ શાહનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી અમિતભાઇ શાહે દેશ-દુનિયામાં વસતા કરોડો નાગરિકોને કૃષ્ણજન્મોત્સવના શુભ અને પાવન અવસર જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ૫૧૦૦ વર્ષ પહેલાં જન્મેલા બહુમુખી, બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા એવા કૃષ્ણ જેમણે સમગ્ર વિશ્વને ધર્મના રસ્તા પર ચાલવાનો માર્ગ બતાવ્યો

તેમનો જન્મદિવસ ફક્ત ભારતીયો જ નહીં દુનિયાના કરોડો લોકો ઉજવે છે, ગુજરાતવાસીઓ માટે ગર્વની બાબત છે કે, દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કર્મભૂમિ બનાવી જીવનનો મોટો ભાગ અહીં વિતાવ્યો.

આ પ્રસંગે શ્રી અમિતભાઇ શાહે પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ૧ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સૌ રમતવીરોને ભારતને ગૌરવ અપાવવા બદલ તેમની અથાગ મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગોલ્ડ મેડલ જીતનાર અવની લેખારા અને ગુજરાતની દીકરી ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અનેકાનેક શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા આજના આ કાર્યક્રમમાં લાડુ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવતાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણએ તેમની બાલ્યાવસ્થામાં બાળગોપાલ રૂપમાં અનેક અસુરોનો સંહાર કર્યો હતો, બાળકોનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ ‘બાળગોપાલ’ છે.

આજે જન્માષ્ટમીના પાવન દિવસે સગર્ભા મહિલાઓ માટે ‘લાડુ વિતરણ યોજના’નો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, તેનો મને વિશેષ આનંદ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ બાળકો માટે સગર્ભાવસ્થા દરમિયાન માતાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર અતિઆવશ્યક છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી અને વહીવટી તંત્રના સહકારથી મતક્ષેત્રની ૭૦૦૦થી વધુ સગર્ભા બહેનોને કુપોષણ સામેની લડાઈ માટે દર મહિને ૧૫ મગઝના લાડુ વિતરિત કરવામાં આવશે.

ચણાના લોટ, ઘી અને સાકરથી બનેલા ગુણકારી એવા મગઝના લાડુ શારીરિક, માનસિક વિકાસ માટે જરૂરી તત્વોથી ભરપૂર હોય છે તેમજ ઉર્જાનો પણ સ્ત્રોત છે જેના સેવનથી સગર્ભાઓને યોગ્ય પોષણ પણ મળી રહેશે. સગર્ભા મહિલાઓના સારા આરોગ્ય માટે મગઝના લાડુ તૈયાર કરવા બદલ તેમણે સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ મંત્ર ‘સહી પોષણ, દેશ રોશન’ને ધ્યાનમાં રાખી આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન ખાતેથી ૮ માર્ચ ૨૦૧૮થી દેશવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરી પૌષ્ટિક આહાર અંગે જાગરૂકતા ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું જેના ભાગરૂપે આજે કુપોષણ વિરુદ્ધ લડાઈનું આપણું અભિયાન જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે સરકાર સંપૂર્ણ રીતે ચિંતિત છે. છેલ્લા ૩ વર્ષમાં દેશની ૭.૫ કરોડ ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી ૩.૫ કરોડ માતાઓને ફોલિક એસિડ સપ્લીમેન્ટ આપવામાં આવ્યા છે

તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૬માં શરૂ કરેલ સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ ૩ કરોડથી વધુ મહિલાઓની પ્રસવ પૂર્વ તપાસ કરવામાં આવી છે. આજે દેશમાં કુપોષણ સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે સરકારના ૧૮ મંત્રાલયો સામુહિક રીતે અભિયાન ચલાવી રહ્યા છે.

ગુજરાત સરકારે પણ ગુજરાત કો. ઓપેરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સહાયથી ટેક હોમ રાશનના પેકેટ પોષણ માટે આપ્યા છે તે સરાહનીય છે.

શ્રી શાહે દરેક ગામના સરપંચને સરકારી યોજનાનો લાભ મળવાપાત્ર કોઈ પણ વૃદ્ધ, વિધવા યોજનાના લાભથી વંચિત ન રહી જાય તેમજ આયુષમાન ભારત જેવી આશીર્વાદરૂપ યોજનાનો લાભ સૌ લાભાર્થીઓને મળે તેની ચિંતા કરવા આહવાન કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે નિર્બળ, ગરીબ, પછાત વર્ગ તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે આપણે સૌ સજ્જ બનીએ, આપણાં દાયિત્વનું સંપૂર્ણતઃ નિર્વહન કરીએ. શ્રી શાહે સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ અને વહીવટી તંત્રને સરકારની તમામ યોજનાઓને છેવાડાના માનવી સુધી લઈ જઈ મળવાપાત્ર તમામ લાભ નાગરિકને અપાવવા માટે આહવાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળી, આપણા સહિયારા પ્રયાસોથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવવામાં અવશ્ય સફળ થઈશું તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ પ્રસંગે શ્રી અમિતભાઇ શાહના હસ્તે આંગણવાડીની બહેનોને બાળકોને વિતરણ કરવા માટે પૌષ્ટિક ફ્રૂટ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજના આ કાર્યક્રમમાં ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, ઉત્તમ ડેરીના ચેરમેનશ્રી મોહનભાઇ ભરવાડ, ગાંધીનગર જિલ્લાના પ્રભારીશ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અમદાવાદ તેમજ ગાંધીનગરના જિલ્લા કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, સ્વયંસેવી સંસ્થાઓના અગ્રણીશ્રીઓ તેમજ લાભાર્થી સગર્ભા બહેનો ઉપસ્થિત રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.