Western Times News

Gujarati News

રાજુ ચાંડકની હત્યાના પ્રયાસનો આરોપી બાર વર્ષે નાસિકથી ઝડપાયો

પ્રતિકાત્મક

રાજુ ચાંડકે આસારામની પ્રવૃતિઓ ઉજાગર કરતા તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું: એક આરોપી અગાઉ પકડાઈ ચુક્યો છે: જયારે એક હજુ ફરાર

(પ્રતિનિધિ) અમદાવાદ, બાર વર્ષ અગાઉ સાબરમતી નદીમાંથી આશારામ આશ્રમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જે પછીથી આસારામ વિરુધ્ધ કેટલાય આરોપો અને ફરીયાદ થઈ હતી જેમાંથી એક તેમના જ અનુયાયી રાજુ ચાંડકે પણ કરી હતી જેની ઉપર ગોળીબાર કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવેલ આરોપીને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમે નાસિક, મહારાષ્ટ્રથી ઝડપી લીધો છે. આરોપી છેલ્લા બાર વર્ષથી અલગ અલગ સ્થળોએ છુપાતો હતો.

આ અંગેની વિગત એવી છે કે વર્ષ ર૦૦૯માં આસારામ બાપુના આશ્રમ પાછળ સાબરમતી નદીમાંથી બે બાળકોની લાશ મળી આવી હતી જેને પગલે સરકાર તરફથી ડી.કે.ત્રિવેદી પંચ નીમવામાં આવ્યું હતું અને એ દરમિયાન અગાઉ સાબરમતી તથા અન્ય આશ્રમોમાં આવેલા આશ્રમોનું સંચાલન કરતા પુર્વ સાધક રાજુ ચાંડકે ડી.કે. ત્રિવેદી પંચ તથા મિડીયા સમક્ષ આસારામ તથા તેમની પ્રવૃતિઓને ઉજાગર કરી હતી જેથી આશ્રમના સંચાલકોએ તેમને આવી પ્રવૃતિ ન કરવા જણાવી આશ્રમમાં પરત આવવા કહયુ હતું જાેકે રાજુ ચાંડક ન માનતાં તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

જે મુજબ તા.પ.૧ર.ર૦૦૯ની મોડી સાંજે રાજુ ચાંડક બાપુનગર ખાતે આવેલા પોતાના અગરબત્તીના કારખાનેથી પરત ફરતા હતા એ દરમિયાન સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રીજથી પાવર હાઉસ તરફ પીછો કરીને એન.એલ. સ્કુલ નજીક તેમની કાર ઉપર ત્રણ ૩ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હતા જે અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને હુમલામાં કાર્તિક ઉર્ફે રાજુ કલાલચંદ હલદર (પશ્ચિમ બંગાળ), સંજુ ઉર્ફે સંજીવ કિશન કિશોર વૈદ્ય (ગાઝીયાબાદ) તથા પંકજ ઉર્ફે અર્જુનનું નામ બહાર આવ્યું હતું.

જેમાં કાર્તિક ઉર્ફે રાજુને ર૦૧૬માં જ ઝડપી લેવામાં આવ્યો હતો જયારે અન્ય બે આરોપીઓની તપાસ ચાલુ હતી દરમિયાન સંજીવ ઉર્ફે સંજુ મહારાષ્ટ્રના નાસિક ખાતેના આશ્રમમાં છુપાયો હોવાની બાતમી મળતાં જ ક્રાઈમબ્રાંચ સક્રીય થઈ હતી અને પીઆઈ પી.બી. દેસાઈની ટીમના પીએસઆઈ જે.વાય.પઠાણ તેમની ટીમો સાથે એક અઠવાડીયાથી નાસિક ખાતેના આશ્રમની આસપાસ વોચ ગોઠવી હતી અને તક મળતાં જ સંજીવને ઝડપી લેવાયો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં સંજુ બાર વર્ષથી ભોપાલ, સુરત, માંલેગાવ તથા નાસીક ખાતે છુપાઈને રહેતો હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુ ચાંડકની હત્યા માટે હથિયારો તથા વાહનોની સગવડ કાર્તિકે કરી હતી આ કેસનો એક આરોપી પંકજ હજુ ફરાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.