Western Times News

Gujarati News

પેટ્રોલ-ડીઝલ પર સરકારનું ૪ મહિનામાં ૧ લાખ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન

નવીદિલ્હી, ભારતમાં પાછલા ઘણાં મહિનાઓથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. એક સમય એવા રહ્યો કે જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંને દેશમાં ૧૦૦નો આંકડો વટાવી ગયા હતા. મોદી રાજમાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવો આસમાને છે અને સાથે જ મોંઘવારી લોકોની કમર તોડી રહી છે. તે પણ ત્યારે થઇ રહ્યું છે જ્યારે કોરાના કાળમાં દેશના ઘણાં લોકોએ રોજગારી ગુમાવી છે.

આ બધાની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ જેવા પેટ્રોલિયમ પદાર્થો પર ટેક્સથી સરકારની જબરદસ્ત કમાણી થઇ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષ એપ્રિલથી જુલાઇ ૨૦૨૧ના ચાર મહિના દરમિયાન પેટ્રોલિયમ પદાર્થો પર સરકારે ૪૮ ટકાનું ટેક્સ કલેક્શન મળ્યું છે. જે ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

નાણા મંત્રાલયના સીજીએના આંકડા દ્વારા આ જાણકારી સામે આવી છે. વર્ષ ૨૦૧૬માં જીએસટી શરૂ થયા પછી એવિએશન ટર્બાઇન ફ્યૂલ, પેટ્રોલ, ડીઝલ અને પ્રાકૃતિક ગેસ પર કેન્દ્ર સરકાર એક્સાઇસ ડ્યૂટી વસૂલે છે. આ ઉપરાંત બાકીના પદાર્થો પર જીએસટી વસૂલવામાં આવે છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં આ વસૂલીમાં ૪૮ ટકાનો વધારો થયો છે.

સરકારે ગયા વર્ષે પેટ્રોલ પર એક્સાઇસ ડ્યૂટી વધારીને ૧૯.૯૮ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૩૨.૯ રૂપિયા કરી દીધી છે. તેવી જ રીતે ડીઝલ પર હવે કેન્દ્ર સરકાર ૩૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર એક્સાઇસ ડ્યૂટી વસૂલે છે.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જે વધારાનું ટેક્સ કલેક્શન થયું છે, તે સરકાર દ્વારા આ નાણાકીય વર્ષમાં ઓઇલ બોન્ડની કુલ દેવાદારીના લગભગ ૩ ગણા છે. સીજીએના આંકડા મુજબ, એપ્રિલથી જુલાઇ ૨૦૨૧ દરમિયાન એક્સાઇસ ડ્યૂટીનો સંગ્રહ ૧ લાખ કરોડ રૂપિયાથી વધારે થયો છે, જ્યારે ગયા નાણાકીય વર્ષના આ સમયગાળામાં આ કલેક્શન ૬૭૮૯૫ કરોડ રૂપિયા થયું હતું.

આ નાણાકીય વર્ષના ચાર મહિનામાં સરકારને ૩૨૪૯૨ કરોડ રૂપિયાનો વધારાનો ટેક્સ હાંસલ થયો છે. જ્યારે આખા વર્ષમાં સરકારને ઓઇલ બોન્ડ પર કુલ ૧૦ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે. યુપીએ સરકારે કુલ ૧.૩૪ લાખ કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ બહાર પાડ્યા હતા. જેની ચૂકવણી આવનારા ૧૫ થી ૨૦ વર્ષમાં કરવાની હતી.

ઓઇલ બોન્ડ એક રીતે ખાસ સિક્યોરિટી હોય છે. જેને સરકાર તરફથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કેશ સબસિડીની અવેજમાં આપવામાં આવે છે. જેથી મોંઘા તેલનો બોજાે નાગરિકો પર પડે નહીં. ઓઇલ બોન્ડ લાંબા સમય જેમકે ૧૫-૨૦ વર્ષની મેચ્યોરિટીવાળા હોય છે. ઓઇલ કંપનીઓને આ બોન્ડ પર વ્યાજ પણ ચૂકવવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.