ગુનેગારોના પૈસા અને સંપત્તિ ગરીબોમાં વહેંચવામાં આવશે

ભોપાલ, મધ્ય પ્રદેશ સરકાર અપરાધ રોકવા માટે એક નવો કાયદો રજૂ કરી શકે છે. આ કાયદામાં ગુનેગારોના પૈસા અને સંપત્તિ ગરીબોમાં વહેંચવાની જાેગવાઈ હશે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, આ કાયદો ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર એક્ટ કરતા પણ વધારે આકરો હોઈ શકે છે. નરોત્તમ મિશ્રાએ મીડિયાને જણાવ્યું કે, ગૃહ અને કાયદા વિભાગ આ બિલ પર એક સાથે કામ કરવા લાગ્યા છે.
તેમણે જણાવ્યું કે, આ બિલમાં તેઓ ગુનેગારોનું જપ્ત ધન અને સંપત્તિ ગરીબોમાં વહેંચવાની જાેગવાઈ પણ લાવી રહ્યા છે. કેસોનો જલ્દી ઉકેલ લાવવા માટે સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે અને સાક્ષીઓની સુરક્ષા માટે વિશેષ જાેગવાઈઓ કરવામાં આવશે. આ બિલમાં ગુનેગારોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મદદ કરનારાઓને સજા આપવાની જાેગવાઈ પણ કરવામાં આવશે.
એવી આશા છે કે, મધ્ય પ્રદેશ સરકાર આ બિલ શીતકાલીન સત્રમાં રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, શિવરાજ સિંહની સરકાર સતત ગુનાઓ રોકવાની વાત કરી રહી છે.
તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાક લોકો એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને મારી રહ્યા હતા અને બાદમાં સારવાર દરમિયાન તે વ્યક્તિનું મોત થયું હતું. ત્યાર બાદ શિવરાજ સરકારે ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું અને શિવરાજ સિંહે કહ્યું હતું કે, જે નહીં સુધરે તેના સાથે પણ આમ જ બનશે. અત્યાર સુધીમાં ૫૦૦૦ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એવી જાહેરાત કરી હતી કે, સરકાર આ પ્રકારના ગુનાઓ રોકવા આકરો કાયદો લાવશે.HS