Western Times News

Gujarati News

બંગાળમાં ભાજપ મોટી રેલીઓ નહીંં ઘરે-ઘરે જઈ પેટાચુંટણીનો પ્રચાર કરે છે

કોલકતા, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મેગા રેલીઓ કરનારૂં ભાજપ આ વખતે ભવાનીપુર પેટાચૂંટણીમાં નવી રણનીતિ અપનાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીની નંદીગ્રામ બેઠક પર સુવેંદુ અધિકારી સામે હાર થઈ હતી. ભવાનીપુર બેઠક પર ભાજપ તરફથી પ્રિયંકા ટિબરવાલ મમતાને ટક્કર આપી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી દરમિયાન મેગા રેલીઓ કરનારા ભાજપે આ વખતે રેલીઓ પરથી પોતાનું ફોકસ હટાવી લીધું છે. ભાજપના નેતાઓ હવે ભવાનીપુરમાં ઘરે ઘરે જઈ રહ્યા છે અને મતદારો સાથે વાત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષના કહેવા પ્રમાણે બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાઓમાંથી સબક લઈને ભાજપે પોતાની રણનીતિ બદલી છે.

દિલીપ ઘોષે જણાવ્યું કે, આ વખતે તેમની ચૂંટણી પ્રચારની રણનીતિ સાઈલન્ટ છે. જાે અમે મીડિયા સાથે પ્રચાર કરતા હતા તો ટીએમસીના કાર્યકરો ત્યાં પહોંચી જતા હતા અને લોકોને ધમકાવવા લાગતા હતા. આ કારણે અમે લોકો રણનીતિ અંતર્ગત કામ કરી રહ્યા છીએ. અમારા નેતાઓ-કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે.

દિલીપ ઘોષે કહ્યું કે, ‘ચૂંટણી બાદ હિંદી બોલનારા અને ગેરબંગાળીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા, તેમને ધમકી આપવામાં આવી, તેમના ઘર-કાર તોડવામાં આવ્યા, તેઓ ડરેલા છે. જાે ફરી ત્યાં જઈશું તો તેમને ફરી ધમકાવવામાં આવશે, માટે અમે નવી રણનીતિ અપનાવી છે. અમે રેલીઓ નથી કરી રહ્યા, અમે લોકોને મળી રહ્યા છીએ.’

ઉલ્લેખનીય છે કે, ૩૦ સપ્ટેમ્બરના રોજ ભવાનીપુરમાં મતદાન છે અને ૩ ઓક્ટોબરના રોજ મત ગણતરી થશે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષના કહેવા પ્રમાણે કોર્પોરેશન ચૂંટણી પહેલા ટીએમસી દહેશતનો માહોલ બનાવી રહ્યું છે જેથી લોકો આ ચૂંટણીઓમાં પોતાનો મત ન આપી શકે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીના દેશને તાલિબાની માનસિકતાથી બચાવવાની જરૂર છે નિવેદન મુદ્દે દિલીપ ઘોષે જણાવ્યું કે, બંગાળમાં ચૂંટણી બાદ જે બન્યું તે તાલિબાની માનસિકતા છે. ભારતમાં ક્યાંય વિપક્ષને આ રીતે પ્રતાડિત નથી કરવામાં આવતું. અહીં પોલીસ ચૂપ છે. હાલની બંગાળની સ્થિતિમાં અને અફઘાનિસ્તાનની સ્થિતિમાં કોઈ તફાવત નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.