Western Times News

Gujarati News

યોગ્ય રીતે બેસવાનું કહેતાં છાત્રે શિક્ષકને શળિયો માર્યો

દિલ્હી, સામાન્ય અને એકદમ નજીવી બાબતમાં પણ આજના યુવાનો આવેશમાં આવીને જે પગલા ભરી રહ્યા છે તે ચોંકાવનારા છે. ઘણાં એવા કિસ્સા છે કે જે સામાન્ય હોવા છતાં આવેશમાં આવેલા યુવાનો ના ભરવાનું પગલું ભરી લેતા હોય છે. આવી જ એક ઘટના બની છે કે જેમાં એક શિક્ષકે માત્ર વિદ્યાર્થીને શિસ્ત રાખવા અને વર્ગખંડમાં યોગ્ય રીતે બેસવા માટે જણાવ્યું એમાં વિદ્યાર્થી આવેશમાં આવી ગયો હતો. આ વિદ્યાર્થીએ ભરેલા પગલાના કારણે શિક્ષક ઘાયલ થયા હતા.

દિલ્હીના રનહોલામાં શનિવારે સવારે આ ઘટના બની હતી કે જેમાં ધોરણ-૧૧માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકને માર મારીને ઘાયલ કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને ‘શિસ્ત સાથે બેસવા’ માટે કહ્યું એ પછી વિદ્યાર્થી ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે લોખંડના સળિયાથી શિક્ષક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શિક્ષક ઘાયલ થયા હતા.

જાેકે, આ ઘટનામાં શિક્ષક કેટલા ઘાયલ થયા તે અંગે કોઈ વિગતો સામે નથી આવી પરંતુ વિદ્યાર્થીની ઉંમર ૨૧ વર્ષની હોવાનું અને તે ધોરણ-૧૧માં બે વખત નાપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે જાણ થતાં પોલીસનો કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે સરકારી શાળામાં ઉચ્ચતર માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીએ શનિવારે સવારે શિક્ષક પર હુમલો કરી દીધો હતો.

શિક્ષક પર ઘાતકી હુમલો કરનારા લલિત નામના ૨૧ વર્ષના વિદ્યાર્થીને પોલીસે તપાસ કરીને ઝડપી પાડ્યો હતો. આ વિદ્યાર્થી સામે આઈપીસીની ૩૦૮ (એટેમ્પ્ટ ટૂ કમિટ ક્લેપબલ હોમીસાઈડ) કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

શું વિદ્યાર્થીએ અગાઉ સ્કૂલમાં આવું કૃત્યુ કર્યું છે કે નહીં તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આ સિવાય આ મુદ્દે અન્ય શિક્ષકો અને ઘટના બની તે દરમિયાન હાજર અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.