Western Times News

Gujarati News

જેલમાંથી ભાગેલો કેદી કોરોનાને લીધે પાછો આવ્યો

નવી દિલ્હી, ડાર્કો નામનો એક ઓસ્ટ્રેલિયન કેદી, જે લગભગ ત્રણ દાયકાથી ફરાર હતો તે પોતે પોલિસ સ્ટેશન પહોંચ્યો અને ધરપકડ થાય તેની રાહ જાેવા લાગ્યો. કારણ હતું- કોરોના! ગાંજાે ઉગાડવાના ગુનામાં સાડા ત્રણ વર્ષનો જેલવાસ ભોગવી રહેલો ડાર્કો ‘ડૉગી’ ડેસિક નામનો માણસ ૧ ઓગસ્ટ, ૧૯૯૨ની રાત્રે અડધી સજા બાકી હતી ત્યાં જ બોલ્ટ કટર, બ્લેડ જેવા સાધનોની મદદથી ન્યુ સાઉથ વેલ્સના ગ્રૅફ્ટન કરેક્શનલ સેન્ટરમાંથી ભાગી ગયો હતો.

તીવ્ર શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો ન હતો અને તે ૨૯ વર્ષ સુધી ફરાર રહ્યો. એટલે જાે આટલા વર્ષો બાદ તે પોતાને પોલિસ હવાલે કરી દે તો સામે કેવી પ્રતિક્રિયા મળે એ તમે ધારી શકો છો. પછીથી એ ખ્યાલ આવ્યો કે મહામારીને કારણે ડેસિક બેઘર થઈ ગયો હતો અને સર્વાઈવલ માટે તેની પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો.

અહેવાલ મુજબ, યુગોસ્લાવિયામાં જન્મેલો ડાર્કો ‘ડૉગી’ ડેસિક જેલમાંથી ભાગીને ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય દરિયાકિનારે પહોંચ્યો હતો જ્યાં તેણે ભરણપોષણ માટે બિલ્ડર અને કારીગર તરીકે કામ કર્યું હતું. પોતાના બૅકગ્રાઉન્ડને લીધે તે કોઈથી ખાસ વાત કરતો ન હતો કે ન તો પોતાના ભૂતકાળ વિશે કંઈ બોલતો હતો. ડ્રાઈવર લાઈસન્સ ન મેળવી શકવાના લીધે તે દરેક જગ્યાએ પગપાળાં જતો.

એટલું જ નહીં, તેની ઓળખ છતી ન થાય એટલા માટે તે ૨૯ વર્ષોમાં ડૉક્ટર કે ડેન્ટીસ્ટ પાસે પણ ગયો ન હતો. ઓસ્ટ્રેલિયાનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ હોવાને લીધે ડેસિક લોકોનું ધ્યાન પોતાના તરફ ન જાય તેવા પ્રયત્ન કરતો. એક વખત પોપ્યુલર ટીવી સિરીઝ ઓસ્ટ્રેલિયાઝ મોસ્ટ વોન્ટેડમાં પણ તેના વિશેની માહિતી દર્શાવવામાં આવી હતી.

જ્યારે કોઈ વ્યક્તિએ વિચાર્યું કે તેણે ડેસિકને ઉત્તર સિડનીમાં જાેયો છે ત્યારથી તેણે લૉ પ્રોફાઈલ રહેવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. ૨૦ વર્ષ બાદ તેની આ ભાગેડુ સ્થિતિનો અંત આવ્યો. ઈમિગ્રેશન અધિકારીઓએ તેને શોધવાની કામગીરી બાજુએ મૂકી દીધી અને ૨૦૦૮માં તેને રહેઠાણ પણ મળ્યું હતું. ડેસિક જેલમાંથી એટલે છટકી જવા માગતો હતો કેમકે તેને ડર હતો કે તેને પાછો યુગોસ્લાવિયા મોકલી દેવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.