ભારતે એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કાર તૈયાર કરી
નવી દિલ્હી, સતત વધતી જનસંખ્યાના કારણે રસ્તા પર થનારા ટ્રાફિક જામના લીધે મોટા ભાગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ કારણે કેટલીય વાર લોકો ઓફિસ સહિત કેટલાક જરૂરી કામો માટે સમય પર પહોંચી શકતા નથી. દેશના લોકોને જલ્દી જ આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે અને હાઈબ્રિડ ફ્લાઈંગ કાર દ્વારા યાત્રા કરી શકે છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી એશિયાની પહેલી હાઈબ્રિડ ફ્લાઈંગ કારના મોડલની જાણકારી આપી છે અને ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપની યુવા ટીમ દ્વારા એશિયાની પહેલી હાઈબ્રિડ ફ્લાઈંગ કારના કોન્સેપ્ટ મોડલથી પરિચિત કરાવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતા કહ્યુ કે હાઈબ્રિડ ફ્લાઈંગ કારનો ઉપયોગ લોકો અને કાર્ગોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવામાં આવશે. આ સાથે જ તેમણે કહ્યુ કે આનાથી ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં ઘણી મદદ મળવાની આશા છે અને આનાથી મેડિકલ ઈમરજન્સીમાં લોકોની જીંદગી બચાવાઈ શકાય છે.
વિનતા એરોમોબિલિટીની ટીમ 5 ઓક્ટોબરે લંડનમાં આયોજિત થનારી દુનિયાની સૌથી મોટી હેલિટેક પ્રદર્શનીમાં પોતાનુ મોડલ રજૂ કરવા માટે સમગ્ર રીતે તૈયાર છે. વિનતા એરોમોબિલિટીની ટીમનો દાવો છે કે હાઈબ્રિડ ફ્લાઈંગ કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સાથે ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ છે, જે કારને ઉડાડવા અને ચલાવવાના અનુભવને વધારે આકર્ષક અને પરેશાની મુક્ત બનાવે છે. કાર બહારથી જોવામાં ઘણી આકર્ષક હશે, જેમાં જીપીએસ ટ્રેકરની સાથે જ પેનોરમિક વિંડો કેનોપી આપવામાં આવશે.
હાઈબ્રિડ ફ્લાઈંગ કારનુ વજન 1100 કિલોગ્રામ છે અને આ મહત્તમ 1300 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે. જેમાં એક બેટરી છે અને મેડ ઈન ઈન્ડિયા હાઈબ્રિડ ફ્લાઈંગ કાર છે. વિનતા એરોમોબિલિટીની ફ્લાઈંગ કારને બે મુસાફર માટે ડિઝાઈન કરવામાં આવી છે અને આ 100-120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે. કંપનીએ મહત્તમ ઉડાનનો સમય 60 મિનિટ અને મહત્તમ ઉંચાઈ 3000 ફૂટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.