Western Times News

Gujarati News

સાત વર્ષથી ગુમ, યુવાનને મૃત જાહેર કરવાની તૈયારી હતી ત્યાં જ તે મુંબઈથી મળી આવ્યો

સુરેન્દ્રનગરમાં એમબીબીએસના (MBBS) છેલ્લા સેમમાં ફેલ થતાં મોહિત નિરાશા સાથે શહેર છોડી ૨૦૧૪માં ચાલ્યો ગયો

જૂનાગઢ ,  માંગરોળના સુખી સંપન્ન પરિવારનો દીકરો ૨૦૧૪થી અચાનક ગુમ થયો હતો. પણ ૭ વર્ષના વહાણ વિત્યા બાદ દીકરો મુંબઈથી મળી આવ્યો છે. જૂનાગઢનો મોહીત મળી આવતા તેના ઘરે હરખની હેલી ઉત્સવ જેવો માહોલ જાેવા મળ્યો છે. મોહિત મળી આવતા પરિવાર દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજી ખુશી મનાવી હતી.

પરંતુ મોહિતને પરત ઘરે લાવવામા પોલીસનો મોટો રોલ છે. કાયદા પ્રમાણે પોલીસ તેને મૃત જાહેર કરવાની હતી, પરંતુ તે પહેલા જ ડીવાયએસપી જુગલ પુરોહિતે ૭ વર્ષ બાદ મોહિતને શોધી કાઢ્યો હતો. સમગ્ર કિસ્સા પર નજર કરીએ તો, જૂનાગઢ જિલ્લાના માંગરોળના શેરીયાજ ગામનો યુવાન મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ૨૦૧૪ ના વર્ષમાં મોહિત એમ.બી.બી.એસ. અભ્યાસ કરતો હતો.

 

અને છેલ્લા સેમેસ્ટરમા ફેલ થયો હતો, નાપાસ થવાની બાબતથી તેને એટલુ મનદુખ થયુ હતું કે, સુરેદ્રનગર છોડીને જતો રહ્યો હતો. ત્યારથી તેનો અતોપત્તો લાગ્યો ન હતો. પરિવારે તેને બહુ જ શોધ્યો હતો, પણ તે ૭ વર્ષમાં ક્યાય મલ્યો ન હતો. આખરે મોહિત મુંબઈ હોવાના સમાચાર મળ્યા હતા. ૭ વર્ષ બાદ મોહિત મુંબઈથી મળી આવ્યો હતો.

મુંબઈના વાગલી ગામના મુસ્લિમ પરિવાર સલીમ શેખે મોહિતને આશરો આપ્યો હતો. મુસ્લિમ પરિવારમાં કોઇ બાળક ના હોવાથી તેમણે મોહિતને દીકરાની જેમ ૭ વર્ષ સુધી સાચવ્યો હતો. ગુમ થયેલ મોહિતના બેંક એકાઉન્ટ અને મોબાઇલ ડિટેલના આધારે ગુજરાત અને મુંબઈ પોલીસની મદદથી તે મળી આવ્યો હતો.

જૂનાગઢ એસ.પી.રવિ તેજા વાસમ શેટ્ટી અને માંગરોળના ડીવાયએસપી જેડી પુરોહિતની મહેનત અને માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આકરી મહેનત બાદ મોહિત મુંબઈથી મળી આવ્યો હતો. મોહિત અચાનક ગુમ થતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. મોહિત વગરના ૭ વર્ષ જાણે તેમના માટે ૭૦૦ વર્ષ જેવા વિત્યા હતા.

યુવાન અચાનક ગુમ થતા માતા પિતાએ કોઈપણ તહેવાર ન ઉજવવાની અને ચપ્પલ ના પહેરવાની બાધા લીધી હતી. ત્યારે અચાનક જ દીકરાની ભાળ મળી જતા ઘરે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. લોકોએ અશ્રુભીની આંખે યુવાનનું સ્વાગત કર્યું હતું. ત્યાં હાજર સૌના મીઠા મોઢા કરવામાં આવ્યા હતા.

આ તકે યુવાનને શોધવામાં મદદ કરનાર તમામ લોકોનું પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. ડીવાયએસપી જુગલ પુરોહિતે મોહિતની ફાઈલ જાેતા ધ્યાનમાં ગયુ કે, તે સ્વેચ્છાએ ઘરેથી ગયો હતો. તેથી તેને શોધવો મુશ્કેલ હતો. ૭ વર્ષ પહેલાની તેની કોલ ડિટેઈલ્સ મેળવવી મુશ્કેલ હતી.

આખરે સુરેન્દ્રનગર પોલીસે આકરી પૂછપરછ અને તમામ વિગતો એકઠી કરીને મોહિતને શોધી કાઢ્યો હતો. સાત વર્ષ બાદ જુગલ પુરોહિતે મોહિતના ફોનની ડિટેઈલ્સ કઢાવી હતી. જેમાં મોહિત મુંબઈમાં હોવાનુ સામે આવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.