Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના મૃતકોના ડેથ સર્ટિ.માં કારણ લખવાની આરોગ્યમંત્રીની સ્પષ્ટ ના

ગાંધીનગર, કોરોના મહામારીએ અનેક પરિવારો વેર વિખેર કરી દીધા છે. તેમાં પણ બીજી લહેરમાં આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં ૫૬૦૦ જેટલા કોરોના દર્દીઓના મોત થયા હતા. જાે કે આ સમયે ડેથ સર્ટિફિકેટમાં ક્યાંય પણ કોરોનાથી મોતનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર બીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને કારણે તેના પરિવારજનોને મળનારી સહાય પણ મળી શકે તેમ નથી. આમ સરકારે કો-મોર્બિડિટીના ખેલમાં આચરેલા પાપની પીડા પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો છે.

આ મામલે આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસને આપેલા જવાબમાં આરોગ્ય મંત્રીએ ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આમ કેન્દ્ર સરકારે તાજેતરમાં કોરોના મૃતકો માટે જાહેર કરેલી રૂ.૫૦ હજારની સહાય પણ મળી શકશે નહીં.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા અનેક લોકોના કોવિડ પ્રોટોકોલથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ બીમારી લખ્યું છે. આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં પણ આવ્યો છે. જાે કે આમ છતાં સરકાર કોરોનાથી મોત એવું લખવા તૈયાર નથી.

તાજેતરમાં બનેલી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના બે દિવસના વિધાનસભા સત્રમાં કોંગ્રેસે કોરોનાના મૃતકોની સહાયનો મામલો ઉઠાવ્યો છે. જેને પગલે ગૃહમાં હોબાળો પણ કર્યો હતો.

સત્રના બીજા અને અંતિમ દિવસે પ્રશ્નોતરીકાળમાં કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મૃત્યુના કારણમાં કોરોનાથી મૃત્યુ દર્શવવામાં આવતું નથી તે બાબત સાચી છે કે નહીં તેમ પૂછ્યું હતું. તેમજ કારણ લખવાની આરોગ્ય મંત્રીએ ના પાડી દીધી છે. હવે જે લોકોએ કોરોનામાં સ્વજનો ગુમાવ્યા છે અને તેમના મૃત્યુના કારણ બીમારી લખ્યું છે તેમને મળવા પાત્ર સહાય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આમ હવે સરકાર દ્વારા મળનારી સહાય માટે તેમને ભવિષ્યમાં બનનારી કમિટી સમક્ષ તેમના સ્વજન કોરોના કે કો-મોર્બિડિટી અને સંયોગીય બાબતો સાબિત કરવી પડશે. જ્યારે કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં કોરોનામાં માતા અથવા તો પિતા ગુમાવનાર બાળકોની સંખ્યા ૧૦,૮૨૭ હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે.

રાજ્યમાં કોરોનાના કારણે માતા અને પિતા બંને ગુમાવનાર બાળકોની સંખ્યા ૨૧૧ છે. માતા-પિતા બંને ગુમાવનારને મહિને રૂ.૪,૦૦૦ સહાય અને એક પિતા અને એક માતા ગુમાવનારને રૂ.૨,૦૦૦ સહાય આપવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.