Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં  સંકલન સમિતીની બેઠક યોજાઈ

 ગોધરા, પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને પેન્ડિંગ રહેલી લોક અરજીઓનો નિશ્ચિત સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના આપી હતી. બધા વિભાગોને સેવાઓ પૂરી પાડવાની બાબતમાં એટીવીટી મેન્યુઅલને અનુસરવાની તાકીદ કરતા તેમણે નગરપાલિકા સહિતના વિભાગોમાં આરસીપીએસ (રાઈટ ઓફ સિટીઝન ટૂ પબ્લિક સર્વિસ એક્ટ)ની માહિતી પ્રદર્શિત કરવા જણાવ્યું હતું.

તમામ વિભાગોમાં બાકી રહેલા પેન્શન કેસોની માહિતી મેળવી તેમણે પેન્શન કેસોની કામગીરી ઝુંબેશની માફક ઉપાડી લેવા અને સંકલનની આગામી બેઠકમાં કામમાં થયેલ પ્રગતિની જાણકારી આપવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા સમગ્ર જિલ્લામાં ઝુંબેશ ચાલી રહી છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ પ્લાસ્ટિકનો નહિવત વપરાશ કરવા જણાવ્યું હતું.

શ્રી અરોરાએ અધિકારીઓ પાસેથી તેમના વિભાગોના બાકી લેણા અંગેની વિગતો મેળવી રિકવરી ઝડપી બનાવવાના પગલા અંગે ચર્ચા કરી હતી. તેમણે તમામ કચેરીઓમાં વિજિલન્સ ઓફિસર અને ૧૦થી વધુ મહિલા કર્મચારીઓ ધરાવતી કચેરીઓમાં વિશાખા ગાઈડલાઈન્સ અનુસાર ફરિયાદ સમિતી રચાયેલ હોય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો હતો.

ભયજનક પાણીની ટાંકીઓના પ્રશ્ન પર ચર્ચા કરતા તેમણે ૧૯૯૦ પહેલા થયેલા બાંધકામોની ચકાસણી કરી જિલ્લામાં ભયજનક બાંધકામો ઉતારી લેવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત, પોષણ માહ અભિયાન હેઠળ થઈ રહેલી વિવિધ ઉજવણીઓ અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અભિયાનને વધુ વેગવંતુ બનાવવા હાકલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે જિલ્લાના અતિ કુપોષિત બાળકો સુપોષિત થાય તે માટે સંકલન અધિકારીઓને કામગીરી પર સુપરવિઝન કરવા જણાવ્યું હતું. આસો નવરાત્રિના પર્વ દરમિયાન પાવાગઢ ભાવિકોના પ્રવાહને ધ્યાનમાં લઈ સુચારૂ આયોજન માટે સંબંધિત વિભાગોને ફાળે આવતી કામગીરી કરવા સૂચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.