Western Times News

Gujarati News

પત્નીએ દહેજનો કેસ કર્યો, સાસુ-સસરા અને પતિએ ઝેર પી લીધું, ત્રણેના મોત

સોનીપત, હરિયાણાના સોનીપતમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવારના ત્રણ સભ્યોએ ઘરેલુ વિવાદને કારણે ઝેર પીને આત્મહત્યા કરી હતી.

માતા -પિતા અને પુત્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સોનીપતની નવી મહાવીર કોલોનીના રહેવાસી દિનેશ, તેમની પત્ની બ્રિજેશ અને પુત્ર અંકિતે ઘરેલુ વિવાદને કારણે સલ્ફાસની ગોળીઓ ખાધી હતી, ત્યારબાદ કોલોનીમાં હાહાકાર મચી ગયો હતો.

પાડોશીઓ માતા-પિતા અને પુત્રને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન ત્રણેયનું એક પછી એક મોત થયું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સોનીપતની નવી મહાવીર કોલોનીમાં રહેતા અંકિત (૨૭)ના લગ્ન દિલ્હીના રહેવાસી ડોલી સાથે થયા હતા, પરંતુ ડોલીએ તેના પતિ અંકિત અને તેની સાસુ-સસરા સામે દહેજની માંગણી માટેનો કેસ દાખલ કર્યો હતો. અંકિતના પિતા દિનેશ (૫૪) અને માતા બ્રિજેશ (૪૮)ને કોર્ટમાંથી જામીન લીધા હતા અને આજે બપોરે ત્રણેયે ઝેરી પદાર્થ પીને જીવનનો અંત આણ્યો હતો.

ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મામલાની તપાસ શરૂ કરી. મૃતક દિનેશના ભાઈ અનિલે અંકિતની પત્ની, તેના પિતા અને કેટલાક સંબંધીઓ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે, જેના આધારે પોલીસે સાત લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

સિવિલ લાઇન સ્ટેશન ઇન્ચાર્જ નીરજ કુમારે જણાવ્યું હતું કે, અમને સોનીપતની સિવિલ હોસ્પિટલ પાસેથી માહિતી મળી હતી કે, ન્યૂ મહાવીર કોલોનીમાં રહેતા એક જ પરિવારના ૩ લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. મૃતક દિનેશ તેની પત્ની બ્રિજેશ અને પુત્ર અંકિત છે. પરિવારનો આરોપ છે કે, અંકિતની પત્નીએ તેની સામે દહેજનો કેસ નોંધાવ્યો છે, અને ગઈકાલે ત્રણેયમાં કોર્ટમાંથી જામીન લીધા હતા.

આ સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ માટે બે પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સાસુ સસરા કે પતિના ત્રાસથી અનેક વખત પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે, ત્યારે આજે પરિણીતાના દહેજના કેસ બાદ સાસરીયાઓએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા પુરા પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.