Western Times News

Gujarati News

કૃષિ કાયદા ઉપર સ્ટે છતાં વિરોધનો શો અર્થ: સુપ્રીમ

Files Photo

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે અમે ત્રણેય કૃષિ કાયદા પર સ્ટે મુક્યો છે, તો પછી રસ્તાઓ પર વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે. કિસાન મહાપંચાયતના વકીલે કહ્યું કે તેઓએ કોઈ રસ્તો બંધ કર્યો નથી. તેના પર બેન્ચે કહ્યું કે જાે કોઈ એક પક્ષ કોર્ટમાં પહોંચે તો વિરોધ કરવાનો શું અર્થ? જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે કાયદા પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે. સરકારે ખાતરી આપી છે કે તેઓ તેનો અમલ નહીં કરે, તો પછી વિરોધ કરવાનો શું અર્થ?

કિસાન મહાપંચાયતની અરજીમાં જંતર -મંતર પર સત્યાગ્રહની માંગણી કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે તમે કાયદાની માન્યતાને પડકારી છે. અમે પહેલા તેની કાયદેસરતા અંગે નક્કી કરીશું, ત્યારે પછી તમારે પ્રદર્શન કરવાનો સવાલ જ ક્યાં છે? કોર્ટે જ્યારે પૂછ્યું કે જંતર -મંતર પર વિરોધ કરવાનું કારણ શું છે, ત્યારે વકીલે કહ્યું કે કેન્દ્રએ એક કાયદો લાગુ કર્યો છે. તેના પર બેન્ચે આકરા સ્વરમાં કહ્યું કે ‘તો પછી તમે કાયદા પાસે આવો.

એક તરફ કાયદાને પડકારવો અને બીજી તરફ રસ્તા પર તેનો વિરોધ બંને કરી શકતા નથી. કાં તો કોર્ટમાં આવો અથવા સંસદમાં જાઓ અથવા રસ્તા પર ઉતરો.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન લખીમપુર ખીરીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે કાયદો પોતાનો માર્ગ અપનાવશે. કોર્ટે કહ્યું કે ભલે પ્રદર્શનકારીઓ દાવો કરી રહ્યા હોય કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ છે, પરંતુ તેઓ ત્યાંની હિંસા અને જાહેર સંપત્તિના નુકસાનની જવાબદારી લેશે નહીં.

જ્યારે આ પહેલા ગત શુક્રવાર ૧ ઓક્ટોબરના દિવસે પણ આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની નારાજગી જાેવા મળી હતી. ખેડૂતોના આંદોલન મામલે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં પોતાની વાત કહી હતી. કોર્ટે કહ્યું હતું કે તમે શહેરનું ગળું દબાવ્યું છે, હવે તમે શહેરની અંદર આવવા માગો છો. ખેડૂતોના એક સંગઠન ‘કિસાન મહાપંચાયત’ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહની મંજૂરી માગવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.