Western Times News

Gujarati News

સ્વામીત્વ યોજના ગામોમાં વિકાસ-વિશ્વાસનો મંત્રઃ મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વાર મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના સ્વામીત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને આ પ્રસંગે તેમણે ૧૯ જિલ્લાઓના ૩,૦૦૦ ગામોના ૧,૭૧,૦૦૦ લાભાર્થીઓને ઈ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું.

આ દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, આજે મધ્ય પ્રદેશના ૩,૦૦૦ ગામોના ૧.૭૦ લાખ કરતા વધારે પરિવારોને જે પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે તે તેમની સમૃદ્ધિનું સાથી બનશે. આ લોકો ડિજિ-લોકરના માધ્યમથી પોતાના મોબાઈલ પર પોતાનું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશે. સ્વામીત્વ યોજના માત્ર કાયદાકીય દસ્તાવેજ આપવાની યોજના જ નથી પરંતુ તે આધુનિક ટેક્નોલોજીથી દેશના ગામોમાં વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર પણ છે.

સ્વામીત્વ યોજનાના પ્રાથમિક તબક્કામાં તેને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, કર્ણાટક અને રાજસ્થાનના કેટલાક ગામોમાં લાગુ કરવામાં આવી હતી. આ રાજ્યોના ગામોમાં રહેતા આશરે ૨૨ લાખ પરિવારોનું પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચુક્યું છે.

વડાપ્રધાને જણાવ્યું કે, આપણે કોરોના કાળમાં જાેયું કે, કઈ રીતે ભારતના ગામડાઓએ સાથે મળીને એક લક્ષ્ય પર કામ કર્યું, ખૂબ જ સતર્કતા સાથે આ મહામારીનો મુકાબલો કર્યો. બહારથી આવેલા લોકો માટે રહેવાની વ્યવસ્થા, ભોજન અને કામની વ્યવસ્થા, વેક્સિનેશનની કામગીરી બધામાં ભારતના ગામડા ખૂબ આગળ રહ્યા.

દેશના ગામોને, ગામોની પ્રોપર્ટીને, જમીન અને ઘર સાથે સંકળાયેલા રેકોર્ડ્‌સને અનિશ્ચિતતા અને અવિશ્વાસમાંથી કાઢવા ખૂબ જરૂરી છે અને આ કારણે જ પીએમ સ્વામીત્વ યોજના આપણાં ગામના ભાઈઓ-બહેનો માટે બહુ મોટી તાકાત બનવા જઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.