Western Times News

Gujarati News

લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટને લાગેલું કોરોનાનું ગ્રહણ ખેલૈયાઓ દૂર કરશે

હેપી સ્ટ્રીટમાં ખાણી પીણીની ફૂડવાનને કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધીની મંજૂરી આપી હતી, પણ કરફ્યુના કારણે ૧૧.૦૦ વાગ્યે બંધ થઇ જાય છે

અમદાવાદ, ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા લો ગાર્ડનમાં હેપી સ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવે છે. જે કોરોનાકાળ બાદ ફરીથી ધમધમી ઊઠ્યું છે. કોર્પાેરેશનનાં તોતિંગ ભાડાં સાથે હેપી સ્ટ્રીટમાં વેપારીઓએ ફૂડવાન શરૂ કરી દીધી પરંતુ હજુ ક્યાંકને ક્યાંક કોરોનાનું ગ્રહણ લાગી રહ્યું છે જે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ દૂર કરે તેવી શક્યતા છે.

હેપી સ્ટ્રીટની શરૂઆત થઇ ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધી ફૂડવાન ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જાેકે કોરોનાના કારણે ૧૧.૦૦ વાગ્યા બાદ કરફ્યુ હોવાના કારણે ફૂડવાન બંધ કરી દેવામાં આવે છે. સાંજના સાત વાગ્યાથી હેપી સ્ટ્રીટ શરૂ થાય

અને રાતના ૧૧.૦૦ વાગ્યે બંધ થઇ જતાં વેપારીઓને ચિંતા બેઠી છે કે કોર્પાેરેશનનું લાખો રૂપિયા ભાડું કેવી રીતે નીકળશે. હાલ નવરાત્રિ અને દિવાળી આવતી હોવાના કારણે વેપારીઓને આશા જાગી છે કે નવરાત્રિમાં ખેલૈયા અને દિવાળીમાં શોપિંગ કરવા માટે નીકળેલા અમદાવાદીઓ ફરીથી હેપી સ્ટ્રીટમાં રોનક લાવશે. અમદાવાદીઓ ખાણી પીણીના સોખીન છે. જેના કારણે મોટાભાગના લોકો રાતે બહાર ખાવાનું પસંદ કરે છે.

શહેરમાં માણેકચોક, લો ગાર્ડ આ બે જગ્યા ખાણી પીણી માટે જાણીતી છે. જાેકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને લો ગાર્ડનની ખાઉગલીને બંધ કરીને અંદાજે આઠ કરોડ રૂપિયાના ખર્ચે હેપી સ્ટ્રીટ બનાવેલ છે.

જેનું ઉદ્‌ઘાટન ૨૬ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું. હેપી સ્ટ્રીટ શરૂ થતાંની સાથે અમદાવાદીઓને ફરવા માટેનું નવું નજરાણું મળી ગયું. જેનું હેરિટેજ થિમ ઉપર નવિનીકરણ કરવામાં આવ્યું છે. હેપી સ્ટ્રીટ સરખી રીતે શરૂ પણ ન હતી થઈ ત્યારે કોરોનાનું ગ્રહણ તેના ઉપર લાગી ગયું હતું.

કોરોનાની માઠી અસર હેપી સ્ટ્રીટ ઉપર પણ ગંભીર રીતે પહોંચી હતી, જેના કારણે હેપી સ્ટ્રીટમાં ઊભા રહેતા ૨૭ ખાણી પીણીના ફૂડવાનના માલિકોને લોકડાઉન દરમિયાન માસિક ભાડું આપવામાં કોર્પાેરેશને મુક્તિ આપી હતી.

ફૂડવાન માટે ૭૦,૦૦૦થી લઈને તે ૧.૨૫ લાખ માસિક ભાડું નક્કી થયું છે. જેનું લોકાર્પણ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦માં થયું છે. સાંજ પડતાં જ લોકોની ભીડ જામવા માંડી હતી ત્યાં જ કોરોનાનું આગમન થતાં ૨૨-૦૩-૨૦૨૦થી લોકડાઉનની જાહેરાત થઇ હતી. હેપી સ્ટ્રીટને વિધિવત પુનઃ શરૂ કરવામાં આવે ત્યાં સુધીનાં ભાડાંને માફ કરવાની ભલામણ દરખાસ્તમાં કરવામાં આવી છે.

જે દરખાસ્ત સ્વીકારવામાં આવી હતી અને લોકડાઉન શરૂ થતાંની સાથે જ ભાડું માફ થઇ ગયું હતું.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ફરીથી લો ગાર્ડનનની હેપી સ્ટ્રીટ શરૂ થઇ ગઇ છે અને કેટલાક વેપારીઓએ હિંમત કરીને ધંધો પણ શરૂ કરી દીધો છે. હેપી સ્ટ્રીટ શરૂ થતાંની સાથે અમદાવાદીઓ પણ મોજમાં આવી ગયા છે અને નવી નવી વાનગીઓનો સ્વાદ લેવા માટે જાય છે. જાેકે વેપારીઓને એક ચિંતા છે કે રાતનો કરફ્યુ ૧૧ વાગ્યાથી શરૂ થતો હોવાથી ધંધામાં હાલ મંદી ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.