Western Times News

Gujarati News

દિલ્હી પોલીસે પ્રિન્ટિંગ પ્રેસમાંથી ૩૫ લાખની કિંમતના પાઈરેટેડ NCERT પુસ્તકો જપ્ત કર્યા હતા

પોલીસના આંકડા મુજબ દિલ્હીમાં બનાવટી પ્રોડક્ટ્‌સનું મોટાપાયે કારોબાર

નવી દિલ્હી, શહેરમાં વિવિધ પ્રકારની બનાવટી પ્રોડક્ટ્‌સનો કારોબાર ખીલી રહ્યો છે. દિલ્હી પોલીસના આંકડા મુજબ દિલ્હીમાં બનાવટી પ્રોડક્ટ્‌સનું મોટાપાયે કારોબાર વિકસી રહ્યો છે. ૨૦૨૦માં કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એક્ટના માત્ર ૮૮ કેસ નોંધાયા હતા પરંતુ આ વર્ષે ૧૧૦થી વધુ કેસ નોંધાયા છે.

આ વર્ષે ઓગસ્ટ સુધીમાં નોંધાયેલા ૧૧૦ કેસોમાંથી ૯૧ કેસ ઉકેલી શકાયા છે. જ્યારે ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલા આશરે ૧૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ૭૪ કેસ ઉકેલાયા અને ૧૧૨ ગુનેગારોને પકડવામાં આવ્યા. તાજેતરમાં દિલ્હી પોલીસે માંડોલી ગામના એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી રૂા.૩૫ લાખની કિંમતના પાઈરેટેડ એનસીઈઆરટી પુસ્તકો જપ્ત કર્યા છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિએ દાવો કર્યાે હતો કે, લોકડાઉનને કારણે તેને તેના વ્યવસાયમાં ભારે નુકસાન થયું છે. નુકસાનને ભરપાઈ કરવા માટે તેણે બજારમાં નકલી પુસ્તકોનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું. મધ્ય દિલ્હીમાં ગયા વર્ષે કોપીરાઈટ અને ટ્રેડમાર્ક એક્ટના લગભગ ૨૫ કેસ નોંધાયા હતા.

જેમાં ૩૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ૧૩ કેસ નોંધાયા હતા અને ૧૮ લોકોને પકડવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, આ નકલી પ્રોડક્ટ્‌સનું વેચાણ નાની દુકાનોમાં કરવામાં આવી રહ્યું છે, જેમાં કરિયાણાની દુકાન અને ગેરેજનો સમાવેશ થાય છે.

અધિકારીએ ઉમેર્યું કે, કેટલાક કિસ્સાઓમાં અમને જાણવા મળ્યા મુજબ નકલી લુબ્રિકન્ટ તેલ ગેરેજ માલિકોને મૂળ કિંમતા અડધા દરે વેચવામાં આવી રહ્યું છે. નકલી પ્રોડક્ટ વેચવાથી આ લોકોને સુંદર નફો મળે છે. વિશ્વસનીય માહિતીના આધારે અમે દરોડા પાડીએ છીએ અને ઉત્પાદનો જપ્ત કરીએ છીએ.

આઉટર દિલ્હીમાં આ વર્ષે આવા આઠ કેસ નોંધાયા હતા જેમાં સાત ઉકેલવામાં આવ્યા હતા અને ૧૬ લોકોને પકડવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય રીતે ઔદ્યોગિક વિસ્તારોમાં ખાલી ગોડાઉનમાં પોતાનું ઉત્પાદન એકમ સ્થાપિત કરે છે.

જુલાઈમાં આઉટર નોર્થ જિલ્લા પોલીસે બરવાળાની ફેક્ટરીમાંથી ૨૬૪૦ કિલો ડુપ્લિકેટ ટાટા મીઠું જપ્ત કર્યું હતું. ઉત્તર દિલ્હીમાં આ વર્ષે ૧૫ કેસ નોંધાયા અને ૩૦ લોકોની ધરપકડ કરવામાં આવી. એક અધિકારીએ કહ્યું કે, મોટાભાગના કેસમાં આરોપીઓ નકલી પ્રોડક્ટ બનાવવા માટે નાના સેટઅપનો ઉપયોગ કરતાં હોય છે. તેઓ સામાન્ય રીતે ક્રિમ, તેલ, ક્ષાર, ડિટર્જન્ટ અને ટ્યુબ જેવા ઘરેલું ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.