Western Times News

Gujarati News

પછાત જાતિની મહિલાઓને ગરબામાં રમવા ન દેતા હોબાળો

પ્રતિકાત્મક

સાવલી, સાવલી તાલુકાના પીલોલ ગામે પછાત જાતિની મહિલાઓને માતાજીના મંદિરના ચોકમાં યોજાતા સાર્વજનિક ગરબા મહોત્સવમાં ગરબા રમતા અટકાવવામાં આવી છે. આ બનાવમાં ત્રણ પુરુષ અને એક મહિલા મળી કુલ ચાર સામે એટ્રોસિટિ એક્ટ મુજબ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, આ બનાવ બાદ, ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. જે બાદ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

સાવલી પોલીસ મથકમાં વિનોદ મોહનભાઈ હરિજને(રહે.પીલોલ, તા.સાવલી) આ અંગેની ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, પીલોલ ગામના ચોકમાં સામૂહિક ગરબાનું આયોજન થાય છે. જેમાં ત્રીજા નોરતાએ મારા ભત્રીજાની પત્ની પદ્માબેન યોગેશભાઈ હરિજન તેમજ તેમની ભત્રીજી તૃપ્તિ (રહે.પીલોલ,તા.સાવલી) ગરબા રમવા ગયા હતાં. તે સમયે હું પોતે પણ ગરબા જાેવા માટે ગયો હતો.

મારા ભત્રીજાની પત્ની પદ્માબેન અને તૃપ્તિનો ગરબાનો એક રાઉન્ડ પૂરો થયા બાદ હોબાળો મચ્યો હતો. આ બંને સાથે ગરબા રમતા તારા લાલાભાઇ પરમાર નામની મહિલાએ પદ્મા અને તૃપ્તિને ગરબા રમતી જાેઈને કહ્યુ હતું કે, તમારાથી અમારી સાથે ગરબા ન રમાય. જેથી બંને જણા ગરબાના રાઉન્ડમાંથી બહાર નીકળી રડવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ગામના સરપંચને બૂમ પાડી પણ તેમણે સાંભળી ન હતી.

ત્યારબાદ છત્રસિંહ પરમાર, ભુવાજી તેમજ મુકેશભાઈ પરમાર અને લાલજીભાઈ સનાભાઇ પરમાર મારી પાસે આવીને જાતિ વિશે અપશબ્દોનો ઉલ્લેખ કરી બહુ ફાટી ગયા છો, તમારા બૈરી છોકરાઓ અમારા સમાજ સાથે ગરબા નહીં રમી શકે તેમ કહીને ઝઘડો પણ કર્યો હતો.

આ બનાવ અંગે તૃપ્તિની માતાના જણાવ્યા પ્રમાણે, તેમની દીકરીને ધક્કો મારીને અને પદ્માબેનને હાથ પકડીને ગરબા રમતા રમતા બહાર કાઢ્યા હતા. બંને જણા ગરબાના રાઉન્ડમાંથી બહાર નીકળી રડવા લાગ્યા હતા. આ બનાવની ફરિયાદ સાવલી પોલીસ મથકે થતા સાવલી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટિ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવના પગલે સાવલી પોલીસ મથકે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાવલી દોડી આવ્યા હતાં. બનાવના ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.