Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના સોમવાર અને મંગળવારે પોતાની ચેમ્બરમાં બેસવાના આદેશનો નવા મંત્રીઓએ અનાદર કર્યો

અમદાવાદ, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની પહેલી જ બેઠકમાં મંત્રીઓ, સચિવોને સોમવાર અને મંગળવારે પોતાની ચેમ્બરમાં જ બેસવા, અન્ય કોઈ મિટીંગનું આયોજન ન કરવા આદેશ કર્યો હતો. જેના બીજા જ સપ્તાહે સોમવારે ૬ મંત્રીઓ તેનો ઘોળીને પી ગયા અને બહાર ફરવા નિકળી પડયા હતા.

ભાજપની નવી સરકારે પદભાર સંભાળ્યા બાદ સ્વર્ણિમ સંકૂલમાં દરરોજ છથી ૧૦ હજાર જેટલા ભાજપના કાર્યકરો, મંત્રીઓના સમર્થકો સચિવાલયમાં એકત્ર થાય છે. સોમવારે મૂલાકાતીઓને મંત્રીઓ સાથે સેલ્ફી ન મળતા અને રજૂઆત કરવાની તક ન મળતા ભારે નારાજગી જેવા મળી હતી.

૧૭ દિવસ પહેલા ભૂપેન્દ્ર પટેલે સપ્તાહના આરંભે બે દિવસ મંત્રીઓને પોતાને ત્યાં કોઈ બેઠકો, મિટીંગ કે અન્ય કાર્યક્રમો નહિ યોજવા આદેશ કર્યો હતો. જાે કે, ૧૧ ઓક્ટોબરને સોમવારે ચાર જેટલા કેબિનેટ મંત્રીઓ તેને ઘોળીને પી ગયા છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સોમવારે પોતાની ચેમ્બરમાં વિભાગ સાથે મિટિંગ યોજીને બેસી ગયા હતા. તો વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સચિવાલયની બહાર સરકારી કાર્યક્રમમાં જતા રહ્યા હતા. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ બિરસા મુંડા ભવનમાં બેઠક યોજી હતી.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તો ગાંધીનગર આવ્યા જ નહોતા. તેમણે સુરતમાં હાજર રહ્યા હતા. આ ચાર કેબિનેટ મંત્રીઓ ઉપરાંત રાજ્ય કક્ષામાં ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને અન્ન નાગરીક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પણ સાબરકાંઠામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યક્રમના આયોજન માટે પહોંચી ગયા હતા.

આમ નવી સરકારના ત્રીજા જ સપ્તાહે એક સાથે અડધો ડઝન મંત્રીઓ સ્વર્ણિમ સંકૂલમાં પોતાની ચેમ્બરમાં નાગરીકોથી દૂર રહ્યા હતા.

ગુજરાતની પટેલ સરકારને આજે એક મહિનો થવા આવ્યો છે. ત્યારે તેમના કેબિનેટ મંત્રીઓને હજુ પર્સનલ સેક્રેટરી અને પર્સનલ આસિસ્ટન્ટની ફાળવણી કરવામાં આવી નથી. જેથી મંત્રીઓની કામગીરી પર અસર થઈ રહી છે. વિકાસલક્ષી કામો માટે મંત્રીઓએ કયા વિભાગમાં ભલામણ કરવી તથા કયા અધિકારીને કામ કરવા માટે આદેશ કરવો આ પ્રકારના મુદ્દાઓને લઈને નવા મંત્રીઓ મુંઝવણમાં મુકાયાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.