Western Times News

Latest News from Gujarat

કોલેજના પ્રાધ્યાપકે અંધશ્રદ્ધા દૂર કરવાની સાથે સાત ગામોને સ્માર્ટ વિલેજ બનાવ્યાં

આર્ટસ કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસરને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ પ્રાપ્ત થયો

શામળાજી, અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે રમણીય પ્રાકૃતિક વાતાવરણમાં, ભગવાન શામળિયાના ધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓથી કલજીભાઈ આર.કટારા આર્ટસ કોલેજ શામળાજી ધમધમી રહેલ છે. જે વિદ્યાર્થીના શિક્ષણની સાથે સાથે તેના સર્વાગી વિકાસને કેન્દ્રસ્થાને રાખે છે. જેમાં વર્ષ દરમિયાન કોલેજના પ્રિ.ડો.અજય કે. પટેલના માર્ગદર્શન હેઠળ નિયમિત પ્રવૃત્તિઓ અને વાર્ષિક શિબિર પ્રતિવર્ષ યોજવામાં આવે છે.

તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એનએસએસ પ્રો.ઓફિસર્સ અને પ્રિન્સિપાલો દ્વિ-દિવસીય વાર્ષિક સંગોષ્ઠિ શિબિર બનાસકાંઠાના નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના સાનિધ્યમાં યોજાઈ ગઈ હતી. જેમાં શામળાજી કોલેજના બંન્ને એનએસએસ પ્રો.ઓ.ઉપસ્થિત રહ્યાં હતા.

આ યુનિવર્સિટીએ શામળાજી કોલેજના એનએસએસ પ્રો.ઓ.ડો.જાગૃતિ એ.પટેલની શ્રેષ્ઠ કામગીરી જેવી કે પ્રિ.આર.ડી.કેમ્પ પાટણ અને આર.ડી.કેમ્પ દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિ કરવા બદલ, સાત ગામડાઓને સ્માર્ટ વિલેજ બનાવવા માટે જુદા જુદા એનજીઓ સાથે મળી કામગીરી બજાવી હતી.

ઉપરાંત એન.એન.એસ.ના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે નશાબંધી, વૃક્ષારોપણ, અંધશ્રદ્ધા નિવારણ, સર્વરોગ નિદાન કેમ્પ, પશુ ચિકિત્સા, ખેડૂત સંમેલન રોજગારલક્ષી માર્ગદર્શન, સાક્ષરતા કાર્યક્રમ વગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા બદલ સમગ્ર યુનિવર્સિટીમાના શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસર તરીકેનો એવોર્ડ ઉદ્‌ઘાટન સમારોહમાં મહેશ મહેતા (એનએસએસના રાજ્ય એનએસએસ અધિકારી, ગાંધીનગર)ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

ડો.જાગૃતિ પટેલની આ કામગીરીને યુનિવર્સિટીના એનએસએસ પ્રો.કો.ઓર્ડીનેટર જે.ડી.ડામોર, કોલેજના પ્રિ.ડો.અજય પટેલ અને ટ્રસ્ટી દિલીપભાઈ કટારાએ બિરદાવી હતી. ઉપરાંત કોલેજના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓએ ડો.જાગૃતિ પટેલની સિદ્ધિ બદલ ખૂબ જ આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers