Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોરોનાકાળમાં મોંઘીદાટ ગાડીઓ વસાવી, ફાર્મ હાઉસ ઉભા કર્યા

કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ૧૮૮૦ કરોડ કમાયા-૨૦ કરોડના ચાર્જની સામે ૧.૪૧ કરોડ રૂપિયા આપ્યા

વડોદરા, વડોદરાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે કોરોના કાર્યકાળમાં ડોક્ટરો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો કે, કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરો ૧૮૮૦ કરોડ કમાયા હતા. ત્યારે વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલે ડોક્ટરોના નામે દર્દીઓ પાસેથી ૩૦ કરોડ ઉઘરાવીને લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે.

કોરોનામાં ૨૮૬૫ પેશન્ટની સારવાર કરનાર ડો.સોનિયા દલાલે મોટો ધડાકો કર્યો છે. પલ્મોનોલોજીસ્ટ ડો. સોનિયા દલાલે પોલીસ કમિશ્નરે ફરિયાદ કરી કે, વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમણે સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજિસ્ટ તરીકે સેવા આપી હતી. હોસ્પિટલે તેમને ૨૦ કરોડ રૂપિયાના કુલ ચાર્જની સામે માત્ર ૧.૪૧ કરોડ રૂપિયા આપી હાથ અધ્ધર કરી દીધા હતા. જેથી મહિલા ડૉક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે.

પલ્મોલોજિસ્ટની ડો.સોનિયાની તપાસ ક્રાઈમ એ.સી.પીને સોંપાઇ છે. હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્ય સરકાર અને વીએમસીની ગાઈડલાઈનનો ભંગ કર્યાના આક્ષેપ ઉઠ્‌યો છે. ડો દલાલ પોતે સ્ટર્લિંગ હોસ્પિટલના કોવિડ દર્દીઓની સારવાર કરતા હતા. ત્યારે સરકારે નક્કી કરેલા હોસ્પિટલના દર કરતા વધુ ૩૦ કરોડ ઉઘરાવી લીધાના આક્ષેપ ઉઠ્‌યા છે.

ડો દલાલને સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી ૨૦ કરોડ લેવાના થાય છે, તેની સામે ૧ કરોડ ૪૧ લાખ જ ચૂકવાયા હતા. કોરોના કાળમાં ડોક્ટરની વિઝિટીંગ ફી ૩ હજારની જગ્યાએ ૧૧૦૦૦ ઉઘરાવાઈ હતી. ડો. અભિનવ ભોંસલેને હોસ્પિટલ સાથે કોઈ લેવાદેવા નથી, છતાં તેમના નામે દર્દીઓ પાસેથી નાણાં ઉઘરવાયા હતા.

ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના કોરોનામાં ડોક્ટરોની આડેધડ લૂંટના આક્ષેપ બાદ ફરિયાદનો દોર શરૂ થયો છે. ધારાસભ્યએ આરોપ મૂક્યો કે, શહેરની ૧૬૦ ખાનગી હોસ્પિટલમાં ૩૭૬૦૨ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઈ હતી. દર્દી દીઠ સરેરાશ પાંચ લાખ ખર્ચ ગણતા આંકડો ૧૮૮૦ કરોડ થાય. અનેક દર્દીઓના હોસ્પિટલના બિલ ૨ થી ૪૦ લાખ થયા છે.

કોરોના કાળ વખતે ઝુંબેશ ચલાવી સારવારની ફી અડધી ન કરાવી હોત તો ડોક્ટરો ૩૫૦૦ કરોડ ઠોકી ગયા હોત. ડોક્ટરોની નિષ્કાળજીથી મોત થયેલા દર્દીઓના પરિવારને શુ વળતર મળ્યું છે? ખાનગી હોસ્પિટલના સંચાલકોએ લોનો પુરી કરી ફોરેનની મોંઘીદાટ ગાડીઓ વસાવી, ફાર્મ હાઉસ ઉભા કર્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.