Western Times News

Gujarati News

રાજકોટઃ પૂર્વ ડેપ્યુટી મેયર સહિત ૧૧ વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના બનેવી જે. ડી ઠુમ્મરે પૈસાની લેતીદેતી મામલે ફિનાઇલ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ગણતરીની કલાકોમાં બી ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા સહિત ૧૧ લોકો વિરુદ્ધ છેતરપિંડી તેમજ ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધી છે.

બી ડિવિઝન પોલીસ દ્વારા આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. બી ડિવિઝન પોલીસ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મૌલીયા, નીરવ અશ્વિનભાઈ મૌલિયા, મનસુખ પીપળીયા સંજય દુધાત્રા, ચિરાગ પરસાણા, જગદીશ લીંબાસીયા, ભરત તળાવીયા, રમેશ શીંગાળા, વિજય રૈયાણી, ભરત રાદડિયા અને હસમુખ કેરાળીયા સહિતનાઓ ની હાલ શોધખોળ શરૂ છે.

જયંતિ ઠુમ્મરે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, વારંવાર રૂપિયા માંગવા છતાં મને મારા રૂપિયા પરત નહોતા મળી રહ્યા. જેથી હું કંટાળી ગયો હતો મારો પરિવાર પણ ચિંતામાં મુકાઇ ગયો હતો. તેમજ મને મિલકત વેચાઈ જવાની પણ બીક લાગી રહી હતી.

જેના કારણે અન્ય કોઈ રસ્તો ન મળવાના કારણે મારે આપઘાતનો પ્રયાસ કરવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતા પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા અને તેનો પુત્ર નીરવ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.

પોલીસ દ્વારા પિતા-પુત્રનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે પીડિત વ્યવસાયે વકીલ હોય જેથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ કેસના આરોપીઓનો કેસ ન લડવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. ત્યારે આખરે બે કરોડથી પણ વધુની રકમ પીડિત ને પરત મળે છે કે કેમ તે જાેવું અતિ મહત્વનું બની રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.