Western Times News

Gujarati News

મ્યાંમારમાં નાગરિકોને વીજ કરંટની સજા આપવામાં આવી

નવીદિલ્હી, મ્યાંમારમાં લશ્કરી શાસન આવ્યું ત્યારથી લોકોને પારાવાર પીડા આપવામાં આવી રહી છે. નાગરિકો ઉપર અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. વીજળી કરંટ આપવાથી લઈને દેડકાંની જેમ કૂદવાની સજા ફટકારવામાં આવે છે. અસંખ્ય નાગરિકો હજુ ય ગુમ છે.

મ્યાંમારમાં ગત ફેબુ્રઆરી માસથી લશ્કરી શાસન છે. લશ્કરી શાસનનો વિરોધ કરનારા અસંખ્ય લોકોને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. નરકથી બદતર જેલોમાં લગભગ ૧૨૦૦ કરતાં વધુ લોકોને બંધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૫૦ જેટલાં લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

લશ્કરના ક્રુર અધિકારીઓ નાગરિકો ઉપર અમાનવીય ત્રાસ ગુજારે છે. એક એકાઉન્ટન્ટના શરીરમાંથી વીજળીનો કરંટ પસાર કરવામાં આવ્યો હતો. એક બૌદ્ધ ભિક્ષુકને દેડકાંની જેમ કૂદવાની ફરજ પાડી હતી. એક કલાકારને માથામાં ત્યાં સુધી માર મારવામાં આવ્યો કે જ્યાં સુધી એ બેહોશ ન થઈ ગયો.

મ્યાંમારના સૈન્યએ મોટી સંખ્યામાં યુવાનોને કેદ કરી રાખ્યા છે. પૂછપરછ દરમિયાન જેલમાં નરક કરતાં પણ બદતર સ્થિતિ કરી દેવામાં આવે છે. બૌદ્ધ ભિક્ષુકોને પારાવાર યાતના આપવામાં આવી અને તેના ફોટા પણ પાડવામાં આવ્યા. બૌદ્ધ સન્યાસીઓને સાધારણ નાગરિકો જેવા કપડાં પહેરવા મજબૂર કરાયા.

લશ્કરના અધિકારીઓ કેદીઓને એવી જગ્યાએ રાખે છે કે જ્યાં ટોઈલેટની પણ વ્યવસ્થા હોતી નથી. અંધારી કોટડીમાં પૂરી રાખીને બર્બરતા આચરવામાં આવે છે. દિવસો સુધી આ કેદીઓ અંધારી કોટડીમાં બંધ રહે છે. નાનકડી જેલમાં એક સાથે ૫૦-૫૦ કેદીઓને રાખવામાં આવે છે. કેદીઓના માથા પર બરફ નાખવામાં આવે છે. ખૂબ ઠંડું કે ખૂબ ગરમ પાણી તેમના શરીર પર રેડવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.