Western Times News

Gujarati News

કીવી સામે રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરે એવા સંકેત

દુબઈ, ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં ભારતીય ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું. ટીમે અત્યાર સુધી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવી પણ ફરિયાદ છે કે પ્લેયર્સ થાકી ગયા છે. આ વાતને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટી૨૦ ઈન્ટરનેશનલ સીરિઝમાં સીનિયર ખેલાડીઓને આરામ આપી શકે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વર્લ્‌ડ કપ પછી તરત જ આ સીરિઝ થવાની છે અને આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું સુકાનીપદ સંભાળવાની જવાબદારી કેએલ રાહુલને મળી શકે છે. બોર્ડના એક સૂત્રએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, રાહુલ આ જવાબદારી માટે પહેલી પસંદ છે.

સીનિયર પ્લેયર્સને આરામની જરુર છે. અને બધા જાણે છે કે કેએલ રાહુલ ટીમનો મહત્વનો ભાગ છે અને પૂરી શક્યતા છે કે તેને ટીમની કમાન સંભાળવાની જવાબદારી મળશે. આ સીરિઝની એક સારી વાત એ છે કે, ફેન્સને સ્ટેડિયમમાં બેસીને મેચ જાેવાની પરમિશન મળી શકે છે. જાે કે તે સમયે કોરોનાની સ્થિતિ શું હશે તે ધ્યાનમાં રાખવામાં આવશે.

બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે, અમે ફેન્સને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપીશું પરંતુ સંપૂર્ણ ક્ષમતા સાથે નહીં. અમે સ્થાનિક તંત્ર સાથે વાત કરીશું અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરીશું. સીનિયર્સને આરામ આપવાની વાત કરીએ તો, જસપ્રીત બુમરાહે રવિવારના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મેચ હાર્યા પછી પ્લેયર્સના થાકનો મુદ્દો રજૂ કર્યો હતો.

જસપ્રીત બુમરાહે કહ્યું કે, અમુક વાર તમારે બ્રેકની જરુર હોય છે. અમે સતત છ મહિનાથી રમી રહ્યા છીએ. ઘણી વાતો તમારા દિમાગમાં ચાલી રહી હોય છે. પરંતુ જ્યારે તમે મેદાન પર ઉતરો છો ત્યારે તે વિષે વિચાર નથી કરતા. ઘણી બાબતો તમારા કંટ્રોલમાં નથી હોતી. શિડ્યુલ કેવું હશે, કઈ ટૂર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે એ તમારા હાથમાં નથી.

ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝમાં ૩ ટી૨૦ ઈન્ટરનેશનલ અને બે ટેસ્ટ મેચ રમાશે. ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ ૧૭,૧૯ અને ૨૧ નવેમ્બરના રોજ રમાશે. આ મેચ જપયુપર, રાંચી અને કલકત્તામાં રમાશે. ૨૫ નવેમ્બરના રોજ કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ૩થી ૭ ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં બીજી ટેસ્ટ રમાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.