Western Times News

Gujarati News

નવી એજ્યુકેશન પોલીસીના અમલ સાથે સરકાર ઉચ્ચ શિક્ષણમાં વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષશે

અમદાવાદ,  કોરોનાને પગલે  આ વર્ષે ૨૦૨૧માં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઈ નથી ત્યારે હવે સરકાર ૨૦૨૨માં વાઈબ્રન્ટ યોજવા માટે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે

અને આ વાઈબ્રન્ટ સમીટમાં સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગામી દર વર્ષ માટેનો રોડ મેપ લોન્ચ કરવામા આવશે.આ રોડ મેપ બનાવવા માટે હાલ યુનિ.ઓના કુલપતિઓની નિમાયેલી કોર કમિટીને કામગીરી સોંપી દેવાઈ છે.

કેન્દ્ર સરકારે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરી દીધા બાદ હવે ગુજરાતમાં તેનો ત્વરીત અમલ કરવા માટે સરકારે આયોજનો શરૃ કરી દીધા છે અને જે અંતર્ગત કમિટીઓની રચના બાદ આગામી શૈક્ષણિક વર્ષથી કોર્ષ-પરિણામ પેટર્ન સહિતની કેટલીક મહત્વની બાબતોનો તમામ યુનિ.ઓમાં સમાનપણે અમલ કરવાની યોજના છે.

આ ઉપરાંત સરકાર દ્વારા ગુજરાત યુનિ.અને જીટીયુના કુલપતિ તેમજ ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ સાથેની એક કોર કમિટી પણ તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી કરવાઆ આવી છે. આ કમિટીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ સાથે ગુજરાત ઉચ્ચ શિક્ષણ વિકાસ ,વિસ્તાર અને વ્યાપ કઈ રીતે થશે તે માટે દસ વર્ષનો રોડ મેપ તૈયાર કરવાની પણ કામગીરી સોંપવામા આવી છે.

આ કમિટી સરકારને દસ વર્ષનો રોડ મેપ તૈયાર કરીને આપશે.આમ નવી એજ્યુકેશન પોલીસીનો સંપૂર્ણ અમલ થતા ૨૦ વર્ષ લાગે તેમ છે પરંતુ ૩ વર્ષથી લઈને દસ વર્ષમાં સરકાર સંપૂર્ણ અમલ કરવા માંગે છે.આ રોડ મેપને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકાર દ્વારા લોન્ચ કરવામા આવશે.

આ રોડ મેપના આધારે સરકાર દ્વારા રાજ્યની યુનિ.ઓમાં રાજ્ય બહારના અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઈન હેઠળ વધારવા માંગે છે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે નવા ફોરેન પ્લેયર્સ પણ આવે અને રોકાણ પણ વધે તેવી પણ ચર્ચા છે.આ રોડ મેપમાં દસ વર્ષના સરકારના આયોજનોની જાહેરાત કરાશે.

આ અંગે સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરે જણાવ્યું કે હાલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ ચાલી રહી છે અને જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટેનો દસ વર્ષનો રોડ મેપના લોન્ચિંગ માટેની ખાસ તૈયારીઓ કરવામા આવી રહી છે.આ રોડ મેપ સરકારનું શિક્ષણ ક્ષેત્રે આગામી દસ વર્ષનુ વિઝન રજૂ કરશે અને જેની કામગીરી કુલપતિઓની કમિટીને સોંપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.