Western Times News

Latest News from Gujarat

સમસ્ત મહાજન દ્વારા મુંબઈમાં ‘મહાવીર કા મહાપ્રસાદ’ નામે દૈનિક ભોજન રથ

મુંબઈ શહેરમાં ૯ મહિનામાં ૧.૮૦ લાખ લોકોને ભોજન તેમજ કીટ અને ટિફિન પહોંચાડ્યા ઃ ૧,૮૦,૦૦૦ લોકોને શાકાહારી ભોજન પહોચાડવામાં આવ્યું

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે.

કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે.

સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. કોરોનાની મહામારીનાં કારણે લોકોનાં ધંધા રોજગાર પર ખુબ ઊંડી અસરો પડી છે,

ઘણા લોકોને બે સમયનું ભોજન પણ ન મળે ત્યાં સુધીની તેમની આર્થિક સ્થતિ ખરાબ થઈ છે એવે સમયે સમસ્ત મહાજન ફરી એક વખત લોકોની સેવા કરવા માટે રસ્તો શોધી કાઢ્યો છે. મુંબઈમાં “ભોજન રથ” નામે ચાલતી સુવિધા ગરીબ અને બે ટંકનું ભોજન પ્રાપ્ત નથી થતું તેઓ માટે ખૂબ સહાયરૂપ બની છે.

‘મહાવીર કા મહાપ્રસાદ’ એવા ઉમદા નામે ચાલતી આ ભોજનસેવા માટે બોરીવલીમાં રસોડું ઉભું કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી ગિરીશભાઈ જણાવે છે કે નિઃસ્વાર્થભાવે સેવા કરો ત્યારે સ્વયં પરમાત્મા સાથ આપે ભોજનરથ અને સાથે ઘેરઘેર ટિફિન પહોંચાડવાની સેવાનાં મામલે આવું થયું છે.

સંસ્થા દ્વારા અત્યાર સુધી ૯૭૮૦ ટીફીન પહોચાડવામાં આવ્યા છે. મુંબઈની સમસ્ત મહાજન સંસ્થા દ્વારા કોરોના સમયથી ભુખ્યાને ભોજન અને જરૂરિયાત મંદોને અનાજની પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી રહી છે. ભોજનરથની અનેક સ્થળોએ ચેઈન શરૂ કરવાની આ સંસ્થાની મહેચ્છા છે તેમ પ્રોજેક્ટ ચેરમેન પરેશભાઈ શાહે જણાવ્યુ હતું.

મૂળ લીંબડી ઝાલાવાડના વતની પરેશભાઈ શાહ અને તેમના ૧૫ સભ્યોની ટીમે મુંબઈમાં ૪૪ ડિગ્રી ગરમી હોય કે ૧૦ ઈંચ જેટલો ભારે વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય તો પણ વિતરીત પરિસ્થિતિમાં પણ છેલ્લા નવ મહિનાથી આ સેવા આપી રહ્યા છે.

એનીમલ વેલફર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહે જણાવ્યુ હતુ કે, સંસ્થા દ્વારા ૨ લાખથી વધુ કીટ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, અને એમ.પી.માં પહોંચાડેલ છે. ઉપરાંત વરસાદમાં ૨૭૦૦ લોકોને રેઈનકોટ આપ્યા હતા. કોઈ વ્યક્તિ ભુખ્યો ન રહે અને જીવમાત્ર પ્રત્યે કરૂણાના ભાવ સાથે આ સેવાયજ્ઞ ચાલે છે.

સમસ્ત મહાજન દ્વારા થાણેનાં ૪૦૦ કિન્નરોની પરિસ્થિતિની જાણ્યા બાદ સંસ્થાએ તેમને મદદ કરવાનો ર્નિણય કર્યો. તે મુજબ ૧૬ કિલોની કિટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણાનો લોટ, ગોળ, સાકર જેવી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવામાં આવી છે.

આવા જ ઉત્કૃષ્ટ કાર્યો આખા દેશમાં અને એ થકી સમગ્ર વિશ્વમાં થતાં રહે એ માટે પરેશભાઈ શાહે જણાવ્યું હતું કે તેઓ આ યોજનાની ચેઈન શરુ કરવા માંગે છે તેથી સમગ્ર વિશ્વમાં કોઈ પણ જ્ગ્યાએ કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહે. આ અંગે વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ(મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), પરેશભાઈ શાહ(મો. ૯૮૧૯૩ ૦૧૨૯૮) અને મિત્તલ ખેતાણી(મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers