Western Times News

Gujarati News

ઓવરસ્પીડમાં વાહન હંકારશો તો ઇન્ટરસેપ્ટર વાન તરત જ મેમો ફાડશે

સ્પીડગનથી થતું મેન્યુઅલ કામનું સ્થાન હવે આધુનિક ઇન્ટરસેપ્ટર વાને લીધું

અમદાવાદ, અમદાવાદીઓએ હવે રસ્તા પર વાહનને સ્પીડમાં કે બેફામ નહીં દોડાવવા માટે ધ્યાન રાખવું પડશે. અત્યાર સુધી કોઇ ચોક્કસ ટ્રાફિકની વધુ અવરજવર વાળા રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી વાહનની ઓવરસ્પીડ જાણીને દંડ ફટકારતી હતી.

તેનું સ્થાન હવે આધુનિક ટેકનોલોજીએ લીધું છે. શહેરમાં ઇન્ટરસેપ્ટર વાન દ્વારા અત્યાધુનિક લેસર સ્પીડ ગન, ૩૬૦ ડિગ્રીના કેમેરાની મદદથી ઓવરસ્પીડ વાહનને કેપ્ચર કરી હવે ઇન્ટરસેપ્ટર વાનના ૩૬૦ ડિગ્રીના કેમેરા ઓવરસ્પિડ વાહનને તરત ઇ મેમો ફાડી રહ્યા છે. જે મોટા ભાગે વાહનચાલકની જાણ બહાર હોય છે. કારણ કે ઓવરસ્પીડના કારણે તેમને ઊભા રાખીને દંડ ફટકારવામાં આવતો નથી, પરંતુ દંડનો મેમો સીધો તેમના ઘરે પહોંચી જાય છે.

માત્ર એક જ સપ્તાહમાં સેંકડો વાહન ઓવરસ્પીડમાં જતાં મેમોની ઝપટે ચઢ્યો છે. રાજ્યમાં ઓવરસ્પીડના કારણે અકસ્માતની અનેક ઘટનાઓ બની રહી છે. જેમાં સંખ્યાબંધ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આવા અકસ્માતો માટે હવે મેમો જનરેટ થઇ રહ્યો છે. અત્યાર સુધી સ્પીડગનથી મેન્યુઅલી ચેકિંગ કરી ફટકારવામાં આવતા દંડનુ સ્થાન હવે જનરેટ મેમોએ લીધું છે.

ઇન્ટરસેપ્ટર વાન અત્યાધુનિક લેસર સ્પીડગન, પિટિઝેડ કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સજ્જ કરાઇ છે. જેમાં લેસર ટ્રાફિક સ્પીડ વીડિયો સિસ્મટ, સ્પીડ લિમિટ કેસના મેમો માટે પ્રિન્ટર, મોબાઇલ નેટવર્ક, વીડિયો રેકોર્ડર, માઇક અને સાયરન સાથેના લાઇટ બાર અને પી.એ. સિસ્ટમ તથા એલસીડી મોનિટર જેવા સાધનોથી સજ્જ છે.

આ વાનને ઓપરેટ કરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે શહેર પોલીસના ૬૦થી વધુ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. આ વાહનની સિસ્ટમના સોફ્ટવેરમાં મોટર વિહિકલ એક્ટની કઇ કલમ હેઠળ કેટલા રૂપિયાનો દંડ છે તે અંગેની માહિતી પહેલેથી જ ફીડ કરી દેવામાં આવી છે. ઇન્ટરસેપ્ટર વાનમાં અગ્નિશમનના સાધનો અપાયા છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઇડ કિટ પણ રખાઇ છે. ટ્રાફિક પોલીસે સ્પીડગન સાથેની ઇન્ટરસેપ્ટર વાન થકી છેલ્લા એક સપ્તાહમાં જ સેંકડો વાહનચાલકો પાસેથી દંડ વસૂલ્યો છે. એક કારને રૂ.૨,૦૦૦નો મેમો ફટાકારાઇ રહ્યો છે. ચાલક સમયમર્યાદામાં દંડની રકમ નહીં ભરે તો વાહન જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સ્પીડગન દ્વારા અપાયેલો મેમો વાહનમાલિકના ઘરે જ પહોંચી જાય છે. આગામી સમયમાં શાળા કોલેજની આસપાસ પણ ઇન્ટરસેપ્ટર કારને ઊભી રાખવામાં આવશે અને ઓવરસ્પીડમાં જતા તમામ વાહનની સ્પીડ વધારે હશે તો મેમો આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.