Western Times News

Latest News from Gujarat India

પોલિસીનો ટાર્ગેટ પૂરો કરવાના બહાને એજન્ટે મહિલા પાસેથી રૂપિયા ૧૮ લાખ પડાવી લીધા

એજન્ટના ઘરે મહિલાએ પેસ્ટ કન્ટ્રોલનું કામ કર્યું હોવાથી તેના પરિચયમાં આવી હતી

અમદાવાદ, સોલામાં મેક્સ ઇન્સ્યોરન્સ વીમા પોલિસીનો ટાર્ગેટ પૂરો કરવાના બહાને એજન્ટે મહિલાને વિશ્વાસ લઇને ૧૮ લાખ રૂપિયા પડાવી લેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. એક મહિલાએ પોલિસી એજન્ટના ઘરે પેસ્ટ કન્ટ્રોલ કર્યું હોવાથી તેના પરિચયમાં આવી હતી.

સોલાની ફ્લોરા રેસિડેન્સીમાં રહેતા જિગીશા શાહે અલ્પેશ મહેતા વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જિગીષાબહેન નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઓફિસ ધરાવીને પેસ્ટ કંટ્રોલનું કામ કાજ કરે છે.

વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં અલ્પેશ મહેતા જેમને ત્યાં જિગીષાબહેને પેસ્ટ કંટ્રોલનું કામ કર્યું હોવાથી તેઓ તેમના પરિચયમાં આવ્યા હતા. આ અલ્પેશભાઇએ તે વખતે જિગીષાબહેનને કહ્યું કે મેક્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરુ છુ અને તેમને પોલિસી લેવા માટે વાત કરી હતી.

જિગીષાબહેને અલ્પેશભાઇ પાસેથી બે પોલિસી લીધી હતી. જેમાં પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ ૩૨ હજાર આવતું હતું. આ પ્રિમિયમ જિગીષાબહેન ભરે છે.

અલ્પેશભાઇએ જિગીષાબહેનને કહ્યું કે માર્ચ એન્ડિંગ હોવાથી મારે ટાર્ગેટ પૂરો કરવા તમે એક-બે હજી પોલિસી લઇ લો. જાે તમારી પાસે પૈસા હોય તો મને આપો. હું ટાર્ગેટ પૂરો કરીને તમને એકાદ મહિનામાં તમારા પૈસા પરત આપી દઇશ. આમ વાત કરી હતી. જેથી જિગીષાબહેનને અલ્પેશભાઇએ વિશ્વાસમાં લઇને ટુકડે ટુકડે ૧૮ લાખ રૂપિયા લીધા હતા.

જિગીષાબહેને અલ્પેશભાઇને આપેલા રૂપિયા માગ્યા હતા. જેથી અલ્પેશભાઇ સિક્યોરીટી માટે અલગ અલગ રકમના ૧૪.૭૦ લાખના ચેક આપવાની વાત કરી હતી. પરંતુ તેમણે જિગીષાબહેનને કહ્યું કે આ ચેક લોકડાઉન હોવાથી તમને પછી આપીશ. લોકડાઉન પૂરું થયા બાદ જિગીષાબહેને તેમના રૂપિયા ફરી માગ્યા હતા.

જાેકે અલ્પેશભાઇ ખોટા બહાના તેમજ ખોટા વાયદા કરતા હતા અને આજ દિન સુધી જિગીષાબહેનને ૧૮ લાખ રૂપિયા પરત ન આપતા તેમણે અલ્પેશભાઇ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers