Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામમાં ૧પ વર્ષ પછી આયુર્વેદિક દવાખાનું ખુલશે

પોરબંદર, પોરબંદર નજીકના બળેજ ગામે બંધ પડેલ જીલ્લા પંચાયતના આયુર્વેદિક દવાખનાને શરૂ કરવા માટે તંત્રએ નિર્ણય લીધો છે. ૧પ વર્ષથી બંધ આ દવાખાનું શરૂ કરવાની જાહેરાત થતાં ગ્રામજનોમાં આનંદ ફેલાયો છે.

પોરબંદર તાલુકા ભાજપ મહામંત્રી લીલાભાઈ પરમારે તાજેતરમાં જ રાજય સરકારને રજુઆત કરી હતી કે, બળેજ ગામે જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ આયુર્વેદિક દવાખાનું કાર્યરત હતું જે છેલ્લા ૧પ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે માટે તેને ચાલુ કરવું જાેઈએ.

બળેજ ગામના અને આજુબાજુના વીસેક જેટલા ગામના લોકો તેનો લાભ લેતા હતા. દવાખાનું બંધ થવાથી ઘેડ વિસ્તારના લોકોને ખુબ મોટી પરેશાની વેઠવી પડે છે. કારણ કે ૪૦ કિ.મી. દૂર પોરબંદર જવું પડે છે માટે બંધ પડેલું આ દવાખાનું તાત્કાલીક શરૂ કરવા માગ કરી હતી.

રાજય સરકારના આયુષ નિયામક દ્વારા એવી જાહેરાત થઈ છે કે, રાજયમાં ૩ નવા સરકારી આયુર્વેદિક દવાખાના શરૂ કરવા અને તેમાં આયુર્વેદિક મેડીકલ ઓફીસર વર્ગ-રની ૩ અને પટ્ટાવાળા વર્ગ-૪ની જગ્યા ભરવી અને તે માટે વહીવટી મંજુરી આપવામાં આવી છે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દવાખાનું શરૂ કરી દેવા જણાવાયું છે

આ દવાખાનું શરૂ કરાવવા જહેમત ઉઠાવનાર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઈ મોઢવાડીયા અને તાલુકા ભાજપ મહામંત્રી લીલાભાઈ પરમારને બળેજના ગ્રામજનોએ અને આગેવાનોએ બીરદાવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.