Western Times News

Gujarati News

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતી માટે જરૂરી DPA તથા NPK ખાતરના કાળાબજાર

પ્રતિકાત્મક

૩ હજાર ટન જથ્થો ટૂંક સમયમાં આવવાની તંત્રની ખાતરી-રવીપાકની સીઝનમાં ખેડૂતો નાછુટકે ઉંચા ભાવે ખાનગી કંપનીનું નબળી ગુણવત્તાનું ખાતર ખરીદવા મજબૂર બન્યા છે.

દ્વારકા, સૌરાષ્ટ્રમાં રવીપાકની વાવણીની સીઝન ચાલી રહી હોય ત્યારે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતી માટે જરૂરી ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરની અછતની પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોએ નાછૂટકે કાળાબજારના ઉંચા ભાવ આપી નબળી ગુણવત્તાના ખાતર ખરીદવાની ફરજ પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ખેડૂતોને સીધા સ્પર્શતા મામલે રાજય કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જણાવેલું કે ખેડૂતોએ ઓકટોબર માસમાં રૂ.૧૧૮પની બાચકીના રૂ.૧૪પ૦ થતા વિરોધ સાથે ફરીયાદ કરતા કેન્દ્રીય મંત્રી દ્વારા ર૮,૬પ૦ કરોડની સબસીડી આપી ભાવવધારાની અસર ખેડૂતોને નહી થાય તેમ જણાવ્યું હતું પણ અત્યારે ગુજકોમાસોલ ર૮પ રૂપિયા ઉંચા ભાવે વેચે છે.

કેન્દ્ર સરકાર ભાવવધારો ન દેખાય તે માટે ખાતરની કૃત્રિમ અછત હોય ત્યારે ઉંચો ભાવ આપી ખાનગી કંપનીને ફાયદો કરાવી એક કાંકરે અનેક પંખી મારવાની યોજના કરતી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. રવીપાકની સીઝનમાં ખેડૂતો નાછુટકે ઉંચા ભાવે ખાનગી કંપનીનું નબળી ગુણવત્તાનું ખાતર ખરીદવા મજબૂર બન્યા છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડઢાલિયાએ જણાવેલું કે, અત્યાર સુધીમાં ચાર હજાર ટન ખાતર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી ગયું છે અને જિલ્લામાં માત્ર સરદાર ખાતરની માગ વધુ તેમજ ઈફકો તથા અન્યની માંગ ઓછી હોવાથી આ તંગી જણાઈ રહી છે.

ટૂક સમયમાં ત્રણ હજાર ટનનો જથ્થો આવે તેવી શકયતા હોવાથી હાલની તંગી હળવી થશે. આ સાથે અન્ય ખાતરનો કાળાબજારમાં ઉંચો ભાવ લેવાતો હોય તો ફરીયાદ મળ્યે તૂર્ત પગલાં લેવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.