Western Times News

Gujarati News

બંને ડોઝ છતાં ડેલ્ટા વેરિયન્ટથી બચવા તકેદારી રાખવી જરૂરી

પ્રતિકાત્મક

નવી દિલ્હી, વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ કોરોનાના ડેલ્ટા વેરિયંટનો ચેપ લાગી શકે છે તેવો ખુલાસો એક નવા અભ્યાસમાં થયો છે. તેમાં જણાવાયું છે કે, ડેલ્ટા વેરિયંટથી બચવા માટે વેક્સિન ઉપરાંત અન્ય તકેદારી રાખવી પણ ખૂબ જ જરુરી છે.

દિલ્હીની બે હોસ્પિટલોમાં કરાયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વેક્સિનથી વાયરલ લોડની ઘાતકતા ઘટે છે, પરંતુ કોરોના સામે સંપૂર્ણ રક્ષણ નથી મળતું. વળી, આ સ્થિતિમાં વેક્સિન લેનાર વ્યક્તિ પણ બીજા લોકોને અને ખાસ તો જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોને સંક્રમિત કરી શકે છે. આ અભ્યાસ INSACOG કોન્સોટેરિયમ, CSIR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યો હતો.

રિસર્ચર્સ દ્વારા ૧૧૩ કેસો તપાસવામાં આવ્યા હતા. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ કોરોનાગ્રસ્ત થયેલા ૧૧૩ લોકોના સેમ્પલ લઈને તેનું જિનોમ સિક્વન્સ કરવામાં આવ્યું હતું. હજુ સુધી પ્રસિદ્ધ ના થયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઓળખ કરાયેલા કેસોમાં ડબલ વેક્સિન લઈ ચૂકેલો લોકો પણ કોરોનાનો ચેપ બીજા લોકોને લગાડી શકે છે.

વળી, ફુલ્લી વેક્સિનેટેડ લોકોથી અન્ય ફુલ્લી વેક્સિનેટેડ લોકોને ચેપ લાગવાની પણ શક્યતા ઓછી નથી. તેમાં એવી ભલામણ કરાઈ છે કે, જે લોકો બંને ડોઝ લઈ ચૂક્યા છે તેમણે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ જેવી તમામ વાતોની તકેદારી રાખવી જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, દેશમાં તાજેતરમાં જ વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝનું મહત્વનું સિમાચિન્હ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. તેવામાં વેક્સિનના બંને ડોઝ લઈ લેનારા લોકોમાં એક પ્રકારની નિશ્ચિંતતા જાેવા મળી રહી છે.

લોકો હવે માસ્ક પહેરવાની ભાગ્યે જ તસ્દી લે છે, અને સોશિયલ ડિસ્ટન્સિંગ તો જાણે સાવ ભૂલાઈ જ ગયું છે. તેવામાં આ અભ્યાસ એવી ભલામણ કરે છે કે વેક્સિન લીધા બાદ પણ કોરોના સામે સંપૂર્ણ સુરક્ષા નથી મળતી, અને ફુલ્લી વેક્સિનેટેડ લોકોએ પણ તકેદારી રાખવાનું ભૂલવું ના જાેઈએ.

ખાસ કરીને દિવાળી બાદ કેટલાક રાજ્યોમાં કેસોનો આંકડો થોડો વધ્યો હતો. ગુજરાતમાં પણ કેસો વધતા પોલીસ દ્વારા માસ્કના નિયમનો ફરી કડક અમલ શરુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં નાઈટ કરફ્યુ હજુય ચાલુ જ છે. અમદાવાદમાં તો એકાદ-બે જગ્યાએ ક્લસ્ટરમાં કેસ મળતાં સોસાયટીના અમુક હિસ્સા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.