Western Times News

Gujarati News

સહાય મેળવવા કોરોના ન હોવાનું સાબિત કરવા કોર્ટમાં જવું પડ્યું

અમદાવાદ, એક પ્રકારની સમયની વક્રતા કહેશું કે બીજુ કંઈ જ્યારે કોવિડ-૧૯ પીડિતોના હજારો સગાઓ સરકાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની સહાય મેળવવા માટે તેમના સ્વજન કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે તે સાબિત કરવાનું મુશ્કેલ કાર્ય કઈ રીતે પાર પડશે તેની મથામણ કરી રહ્યા છે ત્યાં લોકોનો એક વર્ગ એવો પણ છે કે જે મહામારીના ગાળામાં પોતાને થયેલો વાયરલ ન્યુમોનિયા કોવિડને કારણે ન હતો તે સાબિત કરવા માટે કાયદાકીય લડાઈ લડવા માટે મજબૂર બન્યા છે.

જેથી તેમને હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચની સંપૂર્ણ ભરપાઈ વીમા કંપની દ્વારા કરવામાં આવે. રાજકોટ જિલ્લાના ધોરાજીના રહેવાસી દિલીપ કોરાડોયા જેમના પુત્રને વાયરલ ન્યુમોનિયા થતાં કોવિડ- ૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે બાદ તેમણે વીમા કંપની પાસે ક્લેમ કર્યો તો કંપનીએ કોરોના દરમિયાન હોસ્પિટલના ચાર્જને લઈને સરકાર દ્વારા કેપિંગ અંગેના પરિપત્રને ટાંકીને તેમના દીકરાની સારવારના બિલની અડધી રકમ કાપી લીધી હતી.

જે બાદ ન્યાય માટે તેમણે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચનો સંપર્ક કરવો પડ્યો હતો. વીમા કંપની પર દાવો માંડ્યા પછી જ તેણે વિવાદનું સમાધાન કર્યું અને કોરાડિયાને સંતોષકારક રકમ ચૂકવી આપી હતી.

કેસની વિગતો મુજબ, કોરાડિયાએ તેમના પરિવાર માટે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી રૂ. ૭.૨૫ લાખનું કવર ખરીદ્યું હતું. તેમનો પુત્ર મીત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ બીમાર પડ્યો હતો અને તેને સુરતમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં વાયરલ ન્યુમોનિયા માટે તેની સારવાર કરવામાં આવી હતી અને ૫ ઓક્ટોબરે તેને રજા આપવામાં આવી હતી. જે માટે રુ. ૨.૦૨ લાખનું મેડિકલ બિલ આવ્યું હતું. ડિસ્ચાર્જ સમરીમાં હોસ્પિટલે જણાવ્યું હતું કે દર્દી વાયરલ ન્યુમોનિયાથી પીડાતો હતો અને તે કોવિડ- પોઝિટિવ નહોતો. ડિસ્ચાર્જના એક દિવસ પછી, કોરાડિયાએ વીમા કંપનીને વળતર માટે કહ્યું.

વીમા કંપનીએ રૂ. ૧.૦૧ લાખની રકમ મંજૂર કરી અને રૂ. ૧.૦૩ લાખ કાપ્યા. વીમા કંપનીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડ-૧૯ પરિપત્રને ટાંકીને પોતે આપેલા કોવિડ-૧૯ માટે હોસ્પિટલના ચાર્જીસના અડધા વળતરને યોગ્ય ઠેરવ્યું હતું.

કોરાડિયા વીમા કંપની સાથે સહમત ન હતા અને દાવો કર્યો હતો કે ૯૭,૦૦૦ રૂપિયાની રકમ ખોટી રીતે કાપવામાં આવી હતી. પિતાએ ડિસેમ્બરમાં વીમા કંપની દ્વારા જારી કરાયેલ બિલ આકારણી શીટને ટાંકી હતી જેમાં અંતિમ નિદાનનો ઉલ્લેખ વાયરલ ન્યુમોનિયા તરીકે કરવામાં આવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ પોઝિટિવ નથી.

તેણે દાવો કર્યો કે તેનો પુત્ર કોવિડ-૧૯થી પીડિત નથી અને ડિસ્ચાર્જ રિપોર્ટમાં સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે. તેમણે દલીલ કરી કે જ્યારે દર્દીને વાયરલ ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હોય અને કોવિડ-નેગેટિવ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોવિડ૧૯ પરિપત્ર મેડિક્લેમમાંથી રકમ કાપવા માટે અપ્રસ્તુત બને છે.

જ્યારે વીમા કંપનીને જાણવા મળ્યું કે આ મુદ્દો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે તેણે વિવાદનું સમાધાન કરવાની ઓફર કરી. કોરાડિયાને અમુક દવાઓની કિંમત અને હોસ્પિટલના ડિસ્કાઉન્ટ અંગે નજીવી કપાત સામે વાંધો નહોતો અને ૮૩,૦૦૦ રૂપિયાની વધારાની ચુકવણી પર વિવાદનું સમાધાન થયું હતું. જેના કારણે તેમણે આ મહિનાની શરૂઆતમાં તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.