અમદાવાદની પ૦૦ કરતા વધુ હોસ્પિટલો- નર્સિગ હોમમાં પાર્કિંગ સુવિધાનો અભાવ
મ્યુનિ. કોર્પો.એ ઈમ્પેકટ ફીમાં માત્ર ફી વસુલ કરી છે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી નથીઃ ઈકબાલ શેખ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાર્કીંગની સમસ્યા ગંભીર બની રહી છે. મ્યુનિ. શાસકો દ્વારા છેલ્લા એક દાયકાથી નવા પાર્કીંગ બનાવવા માટે જાહેરાતો થાય છે પરંતુ નવા બહુમાળી પાર્કીગ હજી સુધી તૈયાર નથી. નામદાર હાઈકોર્ટના ઠપકા બાદ મ્યુનિ. રીઝર્વ પ્લોટમાં પાર્કીગ વ્યવસ્થા કરવામાં આવી છે
જયારે ઈમ્પેકટ ફી ના અમલીકરણમાં મનપાએ પાર્કીગમાં ગેરકાયદેસર દબાણ કરનાર પાસેથી માત્ર રૂપિયા જ વસુલ કર્યા છે પરંતુ જે તે કોમર્શીયલ બિલ્ડીંગમાં પાર્કીંગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવા કોઈ જ પ્રયાસ કર્યા નથી. જેનો ભોગ નિર્દોષ નાગરીકો બની રહયા છે.
મ્યુનિ. કોર્પોરેશન તરફથી પાર્કીંગ ફી વસુલ કરવામાં આવી હોય તેવી હોટેલો કે હોસ્પીટલોની બહાર નાગરીકો દ્વારા વાહન પાર્ક કરવામાં આવે તો તેમણે ટ્રાફિક પોલીસને દંડ ચૂકવવો પડે છે. મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે મ્યુનિ. કોર્પોરેશનની પાર્કીંગ પોલીસી ખોટી હોવાની તેમજ ઈમ્પેકટમાં તંત્રએ માત્ર રૂપિયા ઉઘરાવવા જ રસ દાખવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ પ૦૦ કરતા વધુ હોસ્પીટલોમાં પાર્કીંગ સુવિધા ન હોવાની રજુઆત કરતા મ્યુનિ. શાસકો પણ ચોંકી ઉઠયા હતા.
મ્યુનિ. બોર્ડની ઝીરો અવર્સ દરમ્યાન કોંગી કોર્પોરેટર ઈકબાલ શેખે પાર્કીંગ મુદ્દે આક્રમક રજુઆત કરતા જણાવ્યુ હતું કે રાજય સરકાર દ્વારા જે પાર્કીંગ પોલીસીને મંજુરી આપવામાં આવી છે તે પોલીસી વાસ્તવિકતાથી જાેજનો દુર છે. મ્યુનિ. કોર્પોરેશનની પાર્કીંગ પોલીસીમાં ફ્રી પાર્કીંગ સેવા બંધ કરવાની તથા પાર્કીગ ચાર્જમાં વધારો કરવાની જાેગવાઈ છે જે નાગરીક વિરોધી છે. ગુડા એક્ટ અંતર્ગત ર૦૧રથી ર૦૧૮ સુધી ઈમ્પેકટ કાયદાનો અમલ થયો છે.
આ સમયગાળા દરમ્યાન હોટેલ, હોસ્પિટલ, શાળાઓ સહીતના કોમર્શીયલ બિલ્ડીંગોના પાર્કીંગમાં થયેલા બાંધકામો મંજુર કરવામાં આવ્ય હતા જેની સામે મનપાને રૂા.૩૦૦ કરોડની આવક થઈ હતી. મ્યુનિ. શાસકો અને અધિકારીઓએ માત્ર પાર્કીગ ફી વસુલ કરી હતી પરંતુ પાર્કીંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કોઈ જ પ્રયાસ કર્યા ન હતા
જેના પરીણામે પાર્કીંગ સમસ્યા ગંભીર બની છે. મ્યુનિ. કોર્પોરેશને ઈમ્પેકટ ફી અંતર્ગત પ૦૦થી વધુ ખાનગી હોસ્પિટલો અને નર્સીંગ હોમના ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કર્યા છે તથા તેમની પાસેથી પાર્કીગ પેટે ફી વસુલ કરી છે પરંતુ આ હોસ્પિટલોમાં આજે પણ પાર્કીગ સુવિધા નથી હવે નવી પાર્કીગ પોલીસી મુજબ નાગરીકો આ હોસ્પિટલોમાં જાય ત્યારે હોસ્પિટલ પાસે જાહેરમાર્ગ પર વાહન પાર્ક કરવા માટે અલગથી પાર્કીગ ચાર્જ ચુકવવાનો રહેશે.
મ્યુનિ. કોર્પોરેશને જે બિલ્ડીંગો પાસેથી પાર્કીંગ ફી ની વસુલાત કરી હોય તે બિલ્ડીંગોમાં પાર્કીગ વ્યવસ્થા વિનામુલ્યે કરવામાં આવે તેવી જાેગવાઈ પાર્કીંગ પોલીસીમાં થાય તે જરૂરી છે.
રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી નવી પાર્કીંગ પોલીસીમાં “ઓન સ્ટ્રીટ” પાર્કીંગને મંજુરી આપવામાં આવી છે જેમાં જે તે વિસ્તારની ગીચતા અને ટ્રાફિકના આધારે પાર્કીગ ચાર્જ લેવામાં આવશે. શહેરમાં દિવસ અને રાત્રીના પાર્કીંગ ચાર્જ અલગ અલગ છે. ખાનગી સોસાયટીઓએ પણ રોડ પર પાર્કીગ માટે પરમીટ લેવાની રહેશે.
શહેરમાં પાર્કીગ ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે તથા પાર્કીગ સેલની રચના કરવામાં આવશે. શહેરમાં કોઈપણ સ્થળે ફી પાર્કીંગ રહેશે નહી. મ્યુનિ. કોર્પોરેશન અને શાસકોની ખોટી નીતિનો ભોગ નાગરીકો જ બનશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.