Western Times News

Gujarati News

જેલવાસ દરમિયાન ગોધરાકાંડના આરોપી હાજી બિલાલનું મોત

પ્રતિકાત્મક

ગોધરાકાંડમાં ટ્રેનનો ડબ્બો સળગાવનાર આરોપીનું મોત

વડોદરા, ગુજરાતના બહુચર્તિત ગોધરા કાંડ ના આરોપી હાજી બિલાલનું જેલવાસ દરમિયાન મોત થયું છે. હાજી બિલાલ ગોધરાકાંડનો આરોપી છે, અને ગોધરામાં સાબરમતી ટ્રેન સળગાવવાના કેસમાં વડોદરાની સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવી રહ્યો હતો. હાજી બિલાલ ચાર વર્ષથી બીમાર હતો.

વર્ષ ૨૦૦૨ માં ૨૭ ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓ સળગાવવાના મામલે ટ્રાયલ ર્કોટે ફેબ્રુઆરી, ૨૦૧૧ માં હાજી બિલાલ સહિત કુલ ૧૧ આરોપીઓને ફાંસી અને અન્ય ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં ગુજરાત હાઈકોર્ટે ૧૧ દોષિતોની સજા આજીવન કેદમાં બદલી હતી.

બીમાર હાજી બિલાલ ૨૨ નવેમ્બરથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ઓક્સિજન પર રહેલા હાજી બિલાલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાશે.

ફેબ્રુઆરી, ૨૦૦૨માં ૨૭મી ફેબ્રુઆરીએ સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને ગોધરા સ્ટેશન પર આગના હવાલે કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ ડબામાં ૫૯ લોકો હતા, જેમાંથી મોટા ભાગના લોકો કારસેવક હતા. એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે ૨૦૧૧માં પહેલી માર્ચે ૩૧ લોકોને દોષી અને ૬૩ લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. વર્ષ ૨૦૦૨માં થયેલા આ ઘટનાની ન્યાયિક પ્રક્રિયામાં સેશન કોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી સુનાવણી ચાલી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.