Western Times News

Gujarati News

પેટલાદની પેટા ચૂંટણીમાં ઉત્તેજના વધી

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં૧ની એક બેઠક માટે રવિવારે મતદાન થયું હતું. સાંજે પાંચ કલાક સુધીના મતદાનની આંકડાકીય માહિતીથી પરિણામ માટે ઉત્તેજના વધી છે. ગત સમાન્ય ચૂંટણી કરતાં મતદાન ઓછું થયું હોવાને કારણે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારો તથા નેતાઓમાં પરિણામ માટે અસમંજસતા સર્જાઈ હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંજના પાંચ કલાક સુધી ૫૯% મતદાન નોંધાયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં૧ની એક સામાન્ય બેઠક માટે રવિવારે સવારે ૭ કલાકથી મતદાન શરૂ થયું હતું. આ વોર્ડના મતદાન માટે પાંચ બૂથ હતા. જે પૈકી નૂરતલાવડી ખાતે બે અને એસ ડી પઠાણ હાઈસ્કૂલ ખાતે ત્રણ બૂથ હતા. નૂરતલાવડીના બૂથ નં૧માં કુલ ૧૦૭૮ મતદારો હતા. જેમાં મુખ્યત્વે પેન્સિલ ફેક્ટરી, હોજવાળી ચાલી, બોડીકુવા વગેરે વિસ્તારના તળપદા તથા ઈતર મતદારોનો સમાવેશ થાય છે. જેનું મતદાન ૫૬૨ (૫૨%) થયું હતુ.

જ્યારે અહિયાંના જ બૂથ નં બે માં નૂરતલાવડી, સરફરાઝ ચાલ, આશાપુરી રેસીડેન્સી વગેરેના પટેલ તથા ઈતર જ્ઞાતિના મળી કુલ ૭૬૧માંથી ૫૨૧ (૬૮%)નું મતદાન થયું હતું. આ વોર્ડના એસ ડી પઠાણ હાઈસ્કૂલ સ્થિત ત્રણ પૈકી પ્રથમ બૂથમાં ૧૦૬૦ મતદાર હતા.

જેમાં ભઠ્ઠીવાડ,ખરેડીવાસ, વિષ્ણુપુરા, વાલ્મીકિ વાસ વગેરેમાં મુખ્યત્વે મુસ્લિમ અને તળપદા સમાજના મતદારોનો સમાવેશ થતો હતો. જેઓએ ૫૭% સાથે ૬૦૭નું મતદાન કર્યું હતું. તેવી જ રીતે બીજા બૂથના કુલ ૧૧૩૭માંથી ૭૫૦ (૬૬%) નું મતદાન થયું હતું.  જેમાં સૌથી વધુ ખોડીયાર વાસના મોટા મહોલ્લાના તળપદા સમાજના જ મતદારો હતા.

જ્યારે તળપદા અને પટેલ સમાજના મતદારો ધરાવતા ખોડિયાર વાસ અને અરજન ફળીયાનો વિસ્તાર ત્રીજા બૂથમાં હતા. જેના ૧૧૬૮માંથી ૬૩૦ (૫૪%)નું મતદાન થયું હતું. આમ કુલ પાંચ બૂથના ૫૨૦૪ મતદારોમાંથી ૩૦૭૦ (૫૯%)નું મતદાન સાંજે પાંચ કલાક સુધીમાં નોંધાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવસ દરમ્યાન તમામ બૂથ ઉપર પાલિસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું. આ પેટા ચૂટણીની મતગણતરી તા.૩૦ નવેમ્બરના રોજ યોજાશે. હાલ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. જાેવાનું એ રહેશે કે આ પેટા ચૂંટણીમાં ભાજપ પોતાની બેઠક જાળવી રાખે છે ? કે અપક્ષ, કોંગ્રેસ કે આપ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લે છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.