Western Times News

Gujarati News

થરાદના મિયાલ પેટ્રોલપંપ પર મધરાત્રે રિવોલ્વરની અણીએ ૫.૭૦ લાખની લૂંટ

ડીસા, બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર હાઈવે પરના મિયાલ ગામ નજીકના પેટ્રોલપંપ ઉપર ગત મધરાતે ચાર શખસોએ ગાડીમાં આવી રિવોલ્વરની અણીએ રૂ.૫.૭૦ લાખની રકમની લૂંટ ચલાવી અંધારામાં ઓગળી ગયા હતા. બનાવની જાણ થતાં થરાદ પોલીસ, એલસીબી ટીમ સહિતનો કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લૂંટારૃ શખસોના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાના સાંચોર હાઈ વે પરના મિયાલ ગામના સીમાડા પર પેટ્રોલપંપ આવેલ છે. આ પેટ્રોલપંપ ઉપર ગઈ મધરાતે ચાર શખસ કારમાં બેસીને આવ્યાં હતા. આ શખસોએ પેટ્રોલપંપના કર્મચારી મુકેશભાઈના લમણે રિવોલ્વર અડાડીને ટેબલના ખાનામાંથી અને અન્ય સાહેદના ખીસ્સામાંથી મળી કુલ રોકડ રૃ.૫.૭૦ લાખની ધીંગી રકમની લૂંટ ચલાવી તમામ શખસો નંબરપ્લેટ વગરની કાળા રંગની ગાડીમાં બેસીને પોબારા ભણી ગયા હતા. લૂંટની ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાબડતોબ બનાવા સ્થળે ધસી ગઈ હતી.

આ અંગે પેટ્રોલપંપના મેનેજર સેંધાભાઈ પ્રેમાભાઈ પટેેલ (રહે.મેસરા)એ થરાદ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખસો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો દર્જ કરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધાં હતા. પોલીસે પેટ્રોલપંપના મેનેજરની ફરિયાદના આધારે સીસીટીવી કેમેરા ફૂટેજ કબજે કરી આરોપીઓના અંકોડા મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મોંઢા પર રૃમાલ બાંધીને અજાણ્યા ચાર શખ્સોએ કાળા કલરની વગર નંબર પ્લેટની સ્વીફ્ટ ગાડીમાં આવી રિવોલ્વરની અણી નોકર મુકેશભાઈને લમણે ભીંડાવી ગડદા પાટુ નો માર મારી ટેબલના ખાનામાં પડેલા રોકડા રૃ. ૫ લાખ અને અન્ય સાહેદના ખિસ્સામાં રહેલા રૃ. ૭૦.૦૦૦ મળી કુલ રૃ.૫.૭૦ લાખની રોકડ મતા લૂંટી રફુચક્કર થઈ ગયા હતા.

પેટ્રોલપંપના માલિકે જણાવ્યા મુજબ તેમના પેટ્રોલપંપ ઉપર ગાડીમાં આવી અજાણ્યા શખ્સોએ છોકરાઓને મારઝૂડ કરી રિવોલ્વર લમણે તાકીને રૃ. ૫.૭૦ લાખની લૂંટ ચલાવી ભાગી ગયા છે.

જે બાબતે મેનેજર દ્વારા થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પેટ્રોલપંપ પર લૂંટ થયાની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજના આધારે એલ સીબી સહિતની ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આરોપીઓ રાજસ્થાન તરફથી આવેલ છે અને રાજસ્થાન તરફ ગયેલ છે અને મારવાડી ભાષા બોલતા હતા.એટલે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.