Western Times News

Gujarati News

દેશમાં મહિલા સશક્તિકરણ અને તેના હક સંબઘીત અનેક કાયદાઓ ઘડવામાં આવેલ છે

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ મહિલા અધિકાર અને તેમને લગતાં કાયદાથી વાકેફ થાય તે હેતુસર, “લિગલ અવેરનેસ ફોર વુમન રીલેટેડ લૉ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ૨૦૦ પ્રતિસ્પર્ધીઓ ઓફલાઈન અને ૨૭૦૦થી વધુ ઓનલાઈન માધ્યમથી જાેડાયા હતાં. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશની નારી દરેક ક્ષેત્રમાં પુરૂષ સમોવડી થયેલ છે. મહિલાઓને મળેલા મૂળભૂત હકો અને કાયદાઓ સ્ત્રી સશક્તિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે.

મુખ્ય મહેમાન સ્થાને વુમન ડેવલોપમેન્ટ કમિશનના ચેરપર્સન લિલાબેન અંકોલિયા , સીવિલ એન્ડ સેશન કોર્ટના પૂર્વ ન્યાયધીશ ડૉ. જ્યોત્સનાબેન યાજ્ઞિક , એસીપી મીની જાેસેફ , કેન્દ્ર સરકારના મહિલા આયોગના સભ્ય અને સ્ત્રી ચેતનાના પ્રમુખ શૈલજા અંધારે તેમજ જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમને સંબોધતાં મીની જાેસેફે જણાવ્યું હતું કે, દેશમાં મહિલા સશક્તિકરણ અને તેના હક સંબઘીત અનેક કાયદાઓ ઘડવામાં આવેલ છે.

દરેક મહિલાઓએ આ કાયદાથી વાકેફ થવું જાેઈએ. વિદ્યાર્થીનીઓના ઘરેલું હિંસા સંબધીત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં તેમણે અભયમ વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ મહિલાને મળેલાં વિવિધ અધિકારો સંબધીત ચર્ચા કરી હતી. પૂર્વ ન્યાયધીશ ડૉ. જ્યોત્સનાબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ભારતીય મહિલા બહુમુખી પ્રતિભા ધરાવે છે.

યોગ્ય માધ્યમ મળી રહે તો, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ઘરેલું હિંસા , મૂળભૂત અધિકારોથી વંચીત અને કાયદાકીય જાગૃકત્તાના અભાવને કારણોસર કેટલાક અંશે મહિલાને પારિવારીક કે સામાજીક ઘટનાનો ભોગ બનવાનો વારો આવે છે.

સામાજીક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારએ પણ મહિલા સંબધીત અનેક કાયદા લાગૂ કર્યા છે. જેની વિસ્તૃત માહિતી મહિલા આયોગમાંથી વિનામૂલ્યે મેળવી શકાય છે. કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવએ જીટીયુ વુમન ડેવલોપમેન્ટ સેલના ચેરપર્સન ડૉ. કોમલ બોરીસાગર અને કો- ઓર્ડિનેટર્સ ડૉ. શ્વેતા બાંબુવાલા તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.