Western Times News

Gujarati News

હવે ગ્રામ પંચાયતોના જર્જરિત મકાનોના બદલે નવા મકાનો બનાવાશે

ગાંધીનગર, ગ્રામ પંચાયત એટલે ગામનો વિકાસનું ઘર, પણ ગુજરાતમાં એવા કેટલાય ગ્રામ પંચાયતના મકાનો છે જૂના અને જર્જરિત છે. પંચાયત મકાનમાં ૭/૧૨ના ઉતારાથી માંડી ખેડૂતોની સબસીડી અને આવકના દાખલા કાઢવા સુધીનું ગામ ગ્રામ પંચાયતમાંથી થાય છે ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની ૨,૭૬૦ ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનશે.

પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરતાની સાથે જ એ પણ જણાવ્યું હતું કે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે ૨૫ વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. ૨,૭૬૦ પંચાયત ઘર માર્ચ ૨૦૨૨ સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ ૧૪થી ૨૨ લાખનો ખર્ચ થશે.

તો બીજી તરફ ચૂંટણી ટાણે થયેલી જાહેરાતથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે અને આ જાહેરાતને ચૂંટણી લક્ષી બતાવી રહ્યું છે. રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને મહત્વનો આંકડો સામે આવ્યો છે. મોટા ભાગની ગ્રામપંચાયત સમરસ બની છે. રાજ્યમાં એક હજાર ૨૬૭ ગ્રામપંચાયત સમરસ બની છે. કુલ ૧૦ હાજર ૧૧૮ બેઠકમાંથી ૧ હજાર ૨૬૭ સમરસ થઇ છે. બાકીની ૮ હજાર ૮૫૧ બેઠકો પર ચૂંટણી યોજાશે.

રાજકોટ જિલ્લામાં ૧૩૦ ગ્રામપંચાયત અને સુરત જિલ્લામાં ૭૯ ગ્રામપંચાયત સમરસ બની છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૮ ગ્રામપંચાયત, ભાવનગર જિલ્લામાં ૭૬ ગ્રામપંચાયત અને કચ્છ જિલ્લામાં ૭૪ ગ્રામપંચાયત સમરસ બની છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.