Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળને કારણે નિગમને ૬૦૦ કરોડનું નુકસાન

મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળનો હજુ સુધી અંત નથી આવ્યો તેને કારણે બસ કોર્પોરેશન, તેના કામદારો અને ઉતારુઓને કલ્પી ન શકાય એટલું નુકસાન થયું છે. આ સમસ્યાનો અંત ક્યારે આવશે, એ અંગે કોઈ કહી શકે એમ નથી કેમ કે બંને પક્ષો તેમની મમત પર અડીને બેઠા છે.

નાણાં ભીડનો સામનો કરી રહેલા નિગમને આ હડતાળને કારણે અત્યાર સુધીમાં રૃા.૬૦૦ કરોડનું નુકસાન થયું છે. આ હડતાળને કારણે કામદારોને પણ નુકસાન થયું છે. આ હડતાળમાં ૧૦ હજારથી વધુ કામદારોને સસ્પેન્ડ કરાયા છે, બે હજારને છૂટા કરાયા છે અને અન્ય બે હજારથી વધુને એક ડેપોમાંથી બીજા ડેપોમાં ટ્રાન્સફર કરાયા છે, એમ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શેખર ચન્નેએ જણાવ્યું હતું.

આ હડતાળ ક્યારે પૂરી થશે, એ સ્પષ્ટ નથી કેમ કે ૪૧ ટકા સુધીના વધારાનો ‘ઐતિહાસિક’ પગાર પેકેજની ઓફર કરવામાં આવી હોવા છતાં ૭૨ હજારથી વધુ કામદારો તેમની ફરજ પર હજુ સુધી જાેડાયા નથી.

‘૪૦ જેટલી બસને નુકસાન થયું છે અને વિવિધ પોલીસ મથકોમાં ૧૦૦થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે, પણ વિરોધીઓ કામ પર ચડેલા કામદારોને ડરાવવાનું ચાલુ રાખે છે,’ એમ શેખર ચન્નેએ જણાવ્યું હતું.રાજ્યના પરિવહન પ્રધાન અનિલ પરબે હવે કામદારોને ફરીથી તેમની કામગીરી શરૃ કરવા અથવા બળજબરીતી કાર્યવાહીનો સામનો કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યું છે.

મહારાષ્ટ્ર આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ (મેસ્મા)નો ઉપયોગ વિરોધીઓ વિરુધ્ધ થઈ શકે છે. પ્રદર્શનકારીઓની ધરપકડ થઈ શકે છે અને તેમને એક વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. આ હડતાળ ૨૮ ઓક્ટોબરતી શરૃ થઈ છે અને નવમી નવેમ્બરથી વધુ તીવ્ર બની છે, જેને કારણે મહારાષ્ટ્રની આ લાઈફલાઈન ખંડિત બની ગઈ છે. જાે કે આવી પરિસ્થિતિ છતાં કામદારો તેમની માગણી પર અટલ રહ્યા છે.

રાજ્ય સરકારે નિયુક્ત કરેલી સમિતિ જે ૨૮ યુનિયનોની માગણીઓ પર ધ્યાન આપી રહી છે. આ પેનલ તેમનો અહેવાલ મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેને સુપરત કરશે. જે રિપોર્ટ પરના તેમના મંતવ્યો વડી અદાલતને મોકલશે.

અત્યારે આ મામલો કોર્ટમાં હોવાથી અમે મર્જરની માગ પર સ્વતંત્ર ર્નિણય લઈ શકતા નથી,’ એમ પરબે જણાવ્યું હતું, પણ કામદારો અને તેના નેતાઓ તેમની માગ પર અડગ છે અને ઇચ્છે છે કે સરકાર મર્જરની જાહેરાત કરે અને હડતાળ ખતમ કરે. ફાઈટ ફોર રાઇટ ફાઉન્ડેશનના પ્રમુખ વિનોદ ધોલયે જણાવ્યું હતું કે નિગમ ૧૩૫ ડેપોનું સંચાલન અને રોજના એક લાખથી વધુ મુસાફરોની હેરફેર કરવામાં સફળ રહી છે. હજુ ૧૧૫ ડેપો બંધ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.